ગાંધીનગર : કોરોના મહામારીને કારણે છેલ્લા બે મહિનાથી ઉપહાર ગૃહો અને સ્ટોલ સદંતર બંધ હોવાના લીધે માસિક પરવાનેદારોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે એસ.ટી નિગમ દ્વારા લાયસન્સ ધારકોને લોકડાઉન સમયગાળાની માસિક પરવાના ફી ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યના જુદા જુદા એસ.ટી બસ સ્ટેશનોમાં માસિક પરવાના ફી થી મુસાફરોને તમામ પ્રકારની સુવિધા આપતા ઉપહાર ગૃહના પરવાનેદારોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુને લાયસન્સ ફી માં રાહત આપવા માટે રજુઆત કરી હતી.
અનલોક-1માં સરકાર દ્વારા 10 ટકા જેટલું સંચાલન શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના રુટ બંધ હોવાથી હાલમાં મુસાફરોની અવર જવરને ધ્યાનમાં રાખીને માસિક લાયસન્સ ફી સંચાલનની ટકાવારી વસુલ કરવા રજુઆત કરી હતી. તેમજ રિન્યુઅલ સમયે 10 ટકાનો માસિક વધારાના કરવા માગ કરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોના મહામારીના લીધે લોકડાઉનમાં બે મહિના સુધી એસટી નિગમની તમામ કેન્ટીન ઉપાહાર ગૃહો બંધ હોવાથી ધંધા રોજગાર અને આવક બંધ હતી. આ સંજોગોમાં લાયસન્સ ધારકો ફી ભરવા માટે સક્ષમ નથી, ત્યારે રાહત આપવાથી પરિવારનું ભરણ પોષણ કરી શકે. આ તમામ કેન્ટીનમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તમામ નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. કેન્ટીનમાં કામ કરતા લોકોને પણ રોજગારી પુરી પાડવામાં આવે છે. લાયસન્સની રાહત આપવામાં આવે તો તમામ લોકોને રાહત થાય તેમ છે.