ગાંધીનગર: બુધવારે યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં રૂપિયા 25 કરોડના ખર્ચે 18 બગીચાઓનું નવીનીકરણ કરવા કવાયત હાથ ધરાઈ હતી. કમિશનર હાજર નહિ રહેતા મહાપાલિકા ટેન્ડરના કામને ગ્રહણ લાગી ગયું છે.
વર્ષોથી આ બગીચાઓ ઉજ્જડ બનેલા છે અને તેની કાળજી સુદ્ધાં રખાઈ નથી. ત્યારે કરકસર કરવાના બદલે આ બગીચાઓના નવીનીકરણ માટેની ઉતાવળથી આશ્ચર્ય સર્જાયું હતું. ઉપરાંત ફાયર વિભાગ માટે 42 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મના સર્વિસિંગ તેમજ રીપેરિંગ માટે રૂપિયા 1 કરોડના ખર્ચની ભલામણ પણ કરાઈ હતી. સ્થાયી સમિતીની બેઠક પૂર્વે પક્ષના સ્થાનિક હોદ્દેદારો સાથે સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન ઉપસ્થિત રહ્યા હતાં. સંગઠનના હોદ્દેદારોએ બગીચાઓના ટેન્ડરને સત્વરે મંજૂરી આપવા પર ભાર મૂક્યો હતો. સ્થાયી સમિતીના સભ્યોમાં ચાલતી ચર્ચા મુજબ, રૂપિયા 25 કરોડના ખર્ચે 18 બગીચાના નવીનીકરણના ટેન્ડરમાં એજન્સીઓએ મિલિભગતથી રિંગ બનાવી હોવાની ચર્ચા થઈ હતી.
દરમિયાન બુધવારે યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા નહતા. મ્યુનિસિપલ કમિશનર એક યા બીજા કારણોસર સતત આઠમી વખત સ્થાયી સમિતીમાં ગેરહાજર રહ્યા હોવાથી સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. ગત બેઠકમાં પણ તેમણે મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની ગેરહાજરીના કારણે સ્થાયી સમિતી તથા વહીવટી પાંખ વચ્ચે અંતર ઊભું થતું હોવાનો સૂર વ્યક્ત થયો હતો. જોકે મેયર અને પક્ષના હોદ્દેદારોએ આગામી બેઠકમાં કમિશનર હાજરી આપશે તેવા આશ્વાસન સાથે સ્થાયી સમિતીમાં કમ્પાઉન્ડ વોલનું રૂપિયા નવ કરોડનું ટેન્ડર મંજૂર કરાવ્યું હતું. આમ, છતાં બુધવારની બેઠકમાં કમિશનર હાજર ન રહેતાં સ્થાયી સમિતીના સભ્યોને ટેન્ડરને મંજૂરી ન આપવાનું કારણ મળી ગયુ હતું.