ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં તળાવો ઊંડા કરવા અને નવા તળાવો બનાવવા અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયના ઈતિહાસમાં જળ અભિયાનના જન આંદોલનનું નવુ સફળ પ્રકરણ આ અભિયાનથી યોજાયું છે. બે વર્ષમાં આ અભિયાન થકી જળસંચય ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ રોજગારી પણ મળી છે. ખેડા જિલ્લામાં બે વર્ષમાં 403 તળાવો રૂ. 41.63 લાખના ખર્ચે ઊંડા કરાયાં છે. એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમિયાન જળસંપત્તિ ભાગ દ્વારા 253 તળાવો રૂ. 272.27 લાખના ખર્ચે ઊંડા કરાયા છે. તળાવો ઊંડા કરવાથી 57.09 MCFT પાણીના જથ્થાનો સંગ્રહ વધશે અને 519 હેકટર વિસ્તારમાં પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે.
બનાસકાંઠા જિલ્લો એક દુષ્કાળગ્રસ્ત જિલ્લા તરીકે ઓળખાતો હતો, પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયોજનના પરિણામે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ ભૂતકાળ બની ગયેલો છે. બનાસકાંઠા જિલ્લાને નર્મદા યોજના દ્વારા કમાન્ડ વિસ્તારના નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એ જ રીતે સુજલામ સુફલામ કેનાલનું 350 કિલોમીટરની કેનાલ નેટવર્ક ઉભું કરાયું છે, જે 8 જિલ્લામાંથી પસાર થઈને છે કે સરહદી વિસ્તાર સુધી કડાણા ડેમમાંથી અને દરિયાનું વહી જતું પાણી સુજલામ સુફલામ કેનાલ દ્વારા વહેવડાવીને પિયતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તદુઉપરાંત સ્થાનિક કક્ષાની નાની નાની સિંચાઇ યોજનાઓ પણ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં તળાવો ઊંડા કરવાના અન્ય એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યપ્રધાન પટેલે ઉમેર્યું કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 623.24 લાખના ખર્ચે 398 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં તળાવ ઊંડા કર્યા છે, જેના પરિણામે 15 MCFT જળ સંગ્રહશક્તિ વધી છે. તળાવો ઊંડા કરવાને કારણે જળસંગ્રહ તો વધે છે, સાથોસાથ વરસાદી પાણીથી ગામને થતું નુકસાન અટકે છે તથા તળાવ ઊંડા કરવાથી જે માટી નીકળે છે એ પણ અત્યંત ફળદ્રુપ હોય છે, જે ખેડૂત ખેતરમાં નાખે છે અને ઉત્પાદકતા વધે છે.