ગાંધીનગરઃ નાઈપરના નવા ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ નવા ભવનમાં કુલ 8 ટાવરો છે. જેમાં અભ્યાસ કરીને ગુજરાતના ફાર્મા સેક્ટરમાં થતા સંશોધનો તેમજ ઈનોવેશનને વેગ મળી શકશે.
નાઈપરના નવા કેમ્પસમાં રાજ્ય સરકારે 60 એકર જેટલી જમીન ફક્ત એક રૂપિયાના ટોકન ભાવે આપી છે. અને આ જમીન આપવાના કારણે ગુજરાત અને દેશમાં ફાર્મા સેક્ટરમાં ઈનોવેશન અને રિસર્ચને વેગ મળશે. અત્યાર સુધીમાં નાયપર અસ્થાયી ભવનમાં કામ કરતું હોવા છતાં પણ દેશની ટોપ ટેન ફાર્મા ઇન્સ્ટિટયૂટમાં આવતું હતું. હવે તેને પોતાનું સ્થાયી ભવન પ્રાપ્ત થયું છે ત્યારે શ્રેષ્ઠતમ પ્રદર્શન કરીને પ્રથમ હરોળમાં આવે તેવી શુભેચ્છાઓ...અમિત શાહ (કેન્દ્રીય ગૃહ પ્રધાન)
ગાંધીનગર ખ્યાતિ પામશેઃ અત્યારે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને હવે નાઈપર જેવી સંસ્થાઓ કાર્યરત છે. આમ ગાંધીનગરમાં સુરક્ષા તેમજ મેડિકલ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓ સ્થપાઈ ચૂકી છે. આ સંસ્થાઓના યોગદાન અને સિદ્ધિઓને લીધે આવનારા સમયમાં ગાંધીનગરને ખૂબજ ખ્યાતિ મળશે.
ગુજરાતમાં 53% મેડિકલ ડિવાઈસ અને 75% કાર્ડિયાક સ્ટેનનું ઉત્પાદન થાય છે. જ્યારે નાયપરનું કેમ્પસ 60 એકરમાં 94 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે હવે આવનારા દિવસોમાં દેશના અને રાજ્યના યુવાઓને સેક્ટરને લઈને નવા આયામો ખુલશે...ભુપેન્દ્ર પટેલ (મુખ્ય પ્રધાન, ગુજરાત)
આ ફક્ત ભવન નથી પરંતુ આગામી દિવસોમાં ફાર્મા સેક્ટરના વિકાસ માટેનું મંદિર છે. આ મંદિરમાં વિદ્યાર્થીઓ શિક્ષા મેળવીને ફાર્મા સેક્ટરમાં આગળ વધશે. સમગ્ર વિશ્વમાં ફાર્મા સેક્ટરમાં ભારતનો ૨૦ ટકા હિસ્સો છે. આગામી દિવસોમાં કુલ સાત જેટલા નાયપર બનશે. આપણે સમગ્ર વિશ્વમાં ફાર્મસી ઓફ ધ વર્લ્ડનું ટાઇટલ મેળવવું છે. તેના માટે સરકાર આગામી વર્ષોમાં 35,000કરોડનું ઈન્વેસ્ટમેન્ટ પણ કરશે...મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય પ્રધાન)