- ગિફ્ટ સિટી ગાંધીનગરમાં હત્યા
- પૈસાની લેવડ-દેવડમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા
- ઇન્ફોસિટી પોલીસે તપાસ ચલાવી આરોપીની કરી ધરપકડ
ગાંધીનગરઃ 30 ઓક્ટબરની રાત્રે ભાટ ટોલ ટેક્સ પાસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ ફરતાં કરતાં મૃતક અમદાવાદનો 20 વર્ષીય જયેશ સુરેશભાઈ કોષ્ટી હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પેટ, છાતીની ડાબી બાજુ સહિત તીક્ષ્ણ હથિયારના 4 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. જેને પગલે સમગ્ર મુદ્દે ઈન્ફોસિટી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
ઇન્ફોસિટી પોલીસે કરી તપાસ
પ્રાથમિક તપાસમાં મૃતકને ઘરની નજીકમાં રહેતાં મિત્ર હેપ્પી હરીભાઈ રબારી અને સંદીપ ધીરુભાઈ રબારી તેમજ ધવલ ઉર્ફે ભુવાજી પ્રભાતભાઈ રબારી સાથે નાણાકીય લેવડ-દેવડમાં માથાકૂટ ચાલતી હતી. પોલીસે શંકાના આધારે ત્રણેયના ઘરે તપાસ કરતાં તેઓ ફરાર હોવાનું સામે આવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના અને પોલીસની કામગીરી
જેને પગલે ઈન્ફોસિટી પીઆઈ ડી. જી. તળવી, હેડકોન્સ્ટેબલ મૃગેન્દ્રસિંહ સહિતની ટીમે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ મહેસાણાથી અડાલજ થઈ ગાંધીનગર તરફ આવવાના છે. જેના આધારે પોલીસે ઉવારસદ ચોકડી ખાતેથી એક કારમાંથી ત્રણેયને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી-દેતીમાં મૃતક 7 લાખ રૂપિયા આપતો ન હોવાને પગલે તેઓ વચ્ચે માથાકુટ ચાલતી હતી.
જેમાં આરોપીઓએ હત્યાના દિવસે તેને હિસાબ માટે બોલાવીને પોતાની ગાડીમાં ભાટ ટોલનાકા પાસે આવ્યા હતા. જ્યાં હેપ્પી અને સંદીપે મૃતકને પકડી રાખ્યો હતો અને ધીરજે છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તેઓના 15મી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જેને પગલે પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. જેમાં પૈસાની લેતીદેતી કોઈ ધંધા બાબતે હતી કે, ઉધારી બાબતે આ સાથે હત્યામાં વપરાયેલી છરી અને વાહન તથા અન્ય આરોપીઓની સંડોવણી બાબતે આગળની તપાસ હાથ ધરાશે.