ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પ્રભારી તરીકે રાજસ્થાનના ડૉ. રઘુ શર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યારથી આ પદ ખાલી પડ્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના પ્રભારી તરીકે કોંગ્રેસના સીનીયર નેતા અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકની વરણી કરી છે.
વાસનિકનો જીવન પરિચય : મુકુલ બાલક્રિશ્ના વાસનિકએ હાલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ ભારત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન હતા. તેઓ 2009 અને 2014માં મહારાષ્ટ્રના રામટેક મતક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1959માં ન્યૂ દિલ્હીમાં થયો હતો. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ત્રણ વખતના સાંસદ બાલકૃષ્ણ રામચંદ્ર વાસનિકના પુત્ર છે.
તેમની રાજનિતી પર એક નજર : મુકુલ વાસનિક 1984-89 દરમિયાન મહારાષ્ટ્રના બુલઢાણાથી ચૂંટણી લડીને 8મી લોકસભામાં પ્રવેશ્યા હતા. 1991-96માં 10મી લોકસભા અને 1998-99 દરમિયાન 12મી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1984માં વાસનિક 25 વર્ષની વયે સંસદના સૌથી યુવા સભ્ય બન્યા હતા. તેમની કેરિયરમાં જીતની સાથે હારનો પણ સામનો કરવો પડ્યો હતો. 1984માં જીત મેળવી અને 1989માં હાર મેળવી હતી. 1991માં જીત અને 1996માં હાર, તેવી જ રીતે 1998માં જીત અને 1999માં હાર, 2009માં રામટેકમાંથી જીત અને 2014માં ત્યાંથી બીજી વખત હાર મળી હતી. વાસનિક 1984થી 1986 દરમિયાન એનએસયુઆઈના નેશનલ પ્રેસિડેન્ટ રહ્યા હતા.
ગુજરાત કોંગ્રેસને ફાયદો અપાવી શકશે : ગુજરાતમાં મુકુલ વાસનિકની જવાબદારી ખૂબ વધી જશે. ડીસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. અને ભાજપનો ગ્રાફ ખૂબ ઉપર ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેટમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ખૂબ મોટું કામ મુકુલ વાસનિકને આપ્યું છે. ગુજરાત પ્રદેશ નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સંગઠનને મજબૂત કરવા માટે બેઠકો શરૂ કરી દીધી છે અને હવે મુકુલ વાસનિક પણ તેમાં માર્ગદર્શક બનશે.