ગાંધીનગર: રાજ્યમાં માર્ચ મહિનાથી એપ્રિલ માસ સુધીમાં અનેક વખત કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદમાં નુકશાન થયેલ બાબતે સર્વે કરાવ્યો હતી જેમાં 12 જેટલા જિલ્લામાં 45 હજાર જેટલા ખેડૂતોને આસર થઈ હતી. અત્યારસુધીમાં સરકાર દ્વારા કુલ 16,744 ખેડૂતોને 41.68 કરોડની સહાય સરકારે પાક નુક્શાનીમાં ચુકવણી છે.
37,086 અરજીઓ પ્રાપ્ત થઇ: રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી શિયાળુ-ઊનાળુ સીઝનના ખેતી-બાગાયતી પાકોને નુકસાન થયુ હતું. સર્વે બાદ અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતો તરફથી 37,086 અરજીઓ મળી હતી. તમામ અરજીઓની ચકાસણી અન્વયે કુલ 16,744 લાભાર્થીઓ યોગ્ય જણાયા હતા અને આ લાભાર્થીઓને રૂ. 41.68 કરોડની સહાય ચુકવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરવા માટે કુલ રૂ. 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સરકારે ક્યા હિસાબે સહાયની ચુકવણી કરી: ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.13,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
SDRFના નિયમ અનુસાર ચુકવણી: આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRF ના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ 18,000 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવણી કરવામાં આવી છે ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4000 કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.4000ની સહાય ચૂકવવામાં આવશે.
બીપરજોય વાવાઝોડા બાબતે તંત્ર સજ્જ: રાજ્ય સરકારને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા કાંઠે તોડાય રહેલ સંકટ બીપરજોય વાવાઝોડા અંતર્ગત આસપાસના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સુચારુ વ્યવસ્થા કરવાની સાથે કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.