ગાંધીનગરઃ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે 3 કેસ સામે આવ્યાં છે. જેમાં ગાંધીનગર શહેર માટે રાહતના સમાચાર કહી શકાય કે આજે મહાપાલિકા વિસ્તારમાં એક પણ કેસ સામે આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ બજાવતો 32 વર્ષીય બ્રધર અને કલોલ તાલુકાના બોરીસણા ગામમાં રહેતી 37 વર્ષીય મહિલા તથા વાવોલમા રહેતો 6 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો છે.
કોરોના વોરિયર્સ કહી શકાય તેવા તબીબી જગત સાથે સંકળાયેલા ડોક્ટર અને નર્સ મોટા પ્રમાણમાં પોઝિટિવ થઇ રહ્યાં છે, ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ બજાવતો 32 વર્ષીય બ્રધર કોરોના પોઝિટિવ આવ્યો છે. આ યુવક હાલમાં ગાંધીનગર પાસે આવેલા વાવોલ ગામમાં વસવાટ કરે છે, જ્યારે મૂળ પ્રાંતિજનો રહેવાસી છે. જેને લઇને ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગાઉ પણ સિવિલમાં ફરજ બજાવતા એક તબીબ સંક્રમિત થયાં હતાં.
જ્યારે વાવોલમાં આવેલા રોયલ 2 બંગલોઝમાં 6 વર્ષનો બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રોયલ 2 બંગલોઝમાં અગાઉ એક જ પરિવારના ચાર કરતાં વધુ લોકો સંક્રમિત થયા હતા. જેમાં યુવક પહેલા સંક્રમિત થયો હતો, તે કેડીલામાં ફરજ બજાવતો હતો. બીજી તરફ કલોલ તાલુકાના બોરીસણા ગામમાં રહેતી 37 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે. આ મહિલા ગત 9મી મેના રોજ અમદાવાદના કૃષ્ણનગરમાં ગઈ હતી અને ત્યારબાદ સંક્રમિત થઇ છે.