ગાંધીનગર : ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત સરકાર વિરુદ્ધ, સરકારે કરેલા અને સરકારના કેસ પેન્ડિંગ હોય છે, ત્યારે ગુજરાત સરકારના વિભાગોમાંથી જ માહિતીનો અભાવ હોવાના કારણે કેસોનો ઝડપથી નિકાલ આવી શકતો નથી. જેના કારણે હાઇકોર્ટમાં ગુજરાત સરકારના જ અનેક કેસો પડતર રહેવાના કારણોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આજે કેબિનેટ બેઠકમાં સરકારના પડતર કેસોનો મોનિટરિંગ સંકલન તેમજ તાત્કાલિક ધોરણે નિરાકરણ માટે ખાસ સમિતિનું ગઠન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પડતર કેસોના ઝડપી નિકાલ માટે IILMS (INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM) નો અસરકારક ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત સરકારમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે 15 દિવસમાં મેપીંગ કરવા તમામ નોડલ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. ગઇકાલે રાજ્ય સરકારના તમામ વિભાગઓ અને નોડલ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આ વિષય સંદર્ભે બેઠક પણ યોજવામાં આવી હતી. - ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન)
સુપ્રીમ કોર્ટના કેસ : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ બેઠકમાં કાયદા વિભાગ દ્વારા જે કેસોમાં નામદાર સુપ્રિમ કોર્ટમાં એસ.એલ.પી. ફાઇલ કરવા સૂચના આપી તેવા કેસોમાં એસ.એલ.પી. ફાઇલ કરવાની બાકી હોય તેવા કેસોની માહિતી કાયદા વિભાગને સત્વરે પૂરી પાડવા તમામ વિભાગના નોડલ અધિદારીઓને તાકીદ કરી હતી.સરકારી કચેરીના લાયઝન ઓફિસર દ્વારા વિભાગ પાસે માંગવામાં આવતી તમામ માહિતી IILMS સિસ્ટમ દ્વારા જ પૂરી પાડવામાં આવશે.
નોંડલ અધિકારીઓને તાલીમ : આ બેઠકમાં દરેક વિભાગના નોડલ અધિકારીની નિમણૂક તેમજ IILMSમાં એકાઉન્ટ કાર્યરત કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના માટે દરેક નોડલ અધિકારીઓને IILMSની ઉપયોગીતા માટે પુન: તાલીમ પણ આપવામાં આવશે. આ સિસ્ટમમાં દરેક વિભાગોએ તેમના વિભાગના તમામ કોર્ટ કેસોનું મેપિંગ કરવાનું રહેશે. તેમજ તેઓએ તાબાની તમામ કચેરીઓની વિગતો પણ કાયદા વિભાગને પૂરી કરવાની રહેશે. જ્યારે હાલમાં રાજ્ય સરકારે હાઇકોર્ટની કામગીરી લઈને આયોજન કર્યું છે પરંતુ આવનારા દિવસોમાં ડિસ્ટ્રિક્ટ અને લોવર કોર્ટ બાબતનું પણ આયોજન કરવામાં આવશે.