ગાંધીનગર : અડાલજ નજીક આવેલા અંબાપુર ગામથી રવિવારે સાંજે એક મર્સિડીઝ પસાર થઈ રહી હતી. જેમાં એક યુવક અને મહિલા બેઠેલા હતા. અચાનક જ આ કાર તળાવમાં ખાબકી હતી અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં સ્થાનિકોએ ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ તકે ફાયરની ટીમે તરવૈયાઓની મદદથી યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મેળવી હતી. જેમાં ફાયર વિભાગને તપાસ દરમિયાન યુવકનું આધારકાર્ડ, મતદાર ઓળખપત્ર તથા પાન કાર્ડ મળી આવ્યા છે. ઓળખના પુરાવાના આધારે યુવકની ઉંમર 29 વર્ષીય હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવક અસારવા ખાતે જીવરાજપાર્કમાં રહેતો હોવાના પુરાવા તપાસ દરમિયાન મળ્યા છે. ઓળખના પુરાવાઓના આધારે યુવકનું નામ આનંદ ચંદ્રવદન મોદી (ઉ.વ.29) હોવાનું બહાર આવ્યું છે. યુવક સાથેની મહિલાની ઓળખને લગતા કોઈ પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી અને મોડી સાંજ સુધી મહિલાને શોધવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.
એક અનુમાન મુજબ, તળાવની નજીક રોડ પર બમ્પ આવેલો છે. બમ્પ પરથી આંચકા સાથે મર્સિડીઝ કાર પસાર થઈ હોય અને સ્ટિયરિંગ લોક થઈ જતાં યુગલ તળાવમાં ખાબક્યું હોય તેવી શક્યતા છે. જો કે મર્સિડીઝ જેવી અદ્યતન કારમાં સ્ટિયરિંગ લોક થવા માટે બમ્પનું કારણ જવાબદાર હોવાનું શંકાજનક લાગે છે. તેથી યુગલે આત્મહત્યાના ઈરાદે કારને તળાવમાં ડૂબાડી હોય તેવી શક્યતા સાથે અડાલજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
એમએચ-04-ઈક્યુ-2400 નંબરની કારનું રજિસ્ટ્રેશન મુંબઈના ખાંડિયા સ્ટ્રીટનું સરનામું ધરવતા પન્નાબેન ચંદ્રવદન મોદીના નામે થયેલું છે. મહારાષ્ટ્ર પાસિંગની કાર અને મૃતક યુવકનું અસારવા ખાતેનું સરનામું હોવાના કારણે પોલીસે બંને સ્થળે તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મોડી સાંજ સુધી મહિલાને શોધવા પ્રયાસ ચાલતા હતા, પરંતુ મૃતકના પરિવારજનોને શોધવામાં સફળતા મળી નહતી.