ગાંધીનગર રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા બાબતે આજે પ્રથમ વખત માલધારીઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી યોજનાઓમાં પણ પશુપાલકોના હિતમાં જરૂર જણાય તો બદલાવ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. માલધારી સમાજને રાજ્ય સરકારની પશુ કલ્યાણકારી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આપીને પગભર અને શિક્ષિત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે પશુપાલનપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું.
માલધારીઓ સાથે સંવાદ કાર્યક્રમ ગુજરાતમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યના માલધારી-પશુપાલન સમાજની વિવિધ રજૂઆતો માટે પશુપાલનપ્રધાન રાઘવજી પટેલના આધ્યક્ષ સ્થાને સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મેહસાણા, જામનગર, મોરબી, જૂનાગઢ, અને આણંદના માલધારી સમાજના પશુપાલક ભાઈબહેનો સહભાગી થઈને વિવિધ રજૂઆતો કરી હતી, માલધારી સમાજની સૂચનો રજૂઆતોના હકારાત્મક ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર છે. જેના ભાગરૂપે આજે પશુપાલન વિભાગ દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો સરકાર સહાય નહીં ચૂકવે તો દરરોજ 5000 પશુઓને છોડવાની ચિમકી, પાંજરાપોળ સંચાલકોમાં રોષ
4 કરોડ પશુઓને સારવાર કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે. જેના પરિણામે આજે ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. ગુજરાતના નાગરિકોની ઈમરજન્સી સારવાર માટે ૧૦૮ કાર્યરત છે તેમ પશુઓને પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 કાર્યરત છે. રાજ્યમાં કુલ 552 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, 702 સ્થાયી પશુ દવાખાના તેમજ ૩૪ વેટરીનરી પોલીક્લીનીક ખાતે નિઃશુલ્ક પશુ સારવાર પુરી પાડવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં 37 કરૂણા એનિમલ હેલ્પલાઇન 1962 કાર્યરત એકમો દ્વારા અત્યાર સુધીમાં કુલ 5.14 લાખથી વધુ નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવી છે.
માલધારીઓએ શું કરી રજૂઆત માલધારી સેલના પ્રમુખ સંજય દેસાઈ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત પશુપાલનપ્રધાને સામેથી માલધારી સમાજના પડતર પ્રશ્નોની ચર્ચા કરવા માટે બોલાવ્યા હતાં. જેમાં તાજેતરમાં સરકાર આખલાનું રસીકરણ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયને માલધારી સમાજ આવકારે છે. આ ઉપરાંત ભાજપના માલધારી સેલના પ્રમુખ સજય દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ઘેટાંબકરાં ચરાવતા માલધારી સમાજના પડતર પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી અને સરકારે જણાવ્યું હતું કે ઘેટાંના ઉનનો ભાવ વધે તે માટે આગામી સમયમાં નવા નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો ગુજરાત સરકાર પાણીમાં બેસી ગઈ, વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચશે
રખડતાં પશુઓ અંગેના મુદ્દા ચર્ચાયા આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં જે જાહેર માર્ગો પર પશુઓ ભટકી રહ્યા છે તેની પાછળ કારણ મામલે ચર્ચા કરાઈ હતી. જેમાં માલધારી સમાજને જણાવ્યું હતું કે ગામડાઓ હવે શહેરમાં ભળી રહ્યા છે જેના કારણે પશુઓ શહેર તરફ વળ્યા છે. પરંતુ આજની બેઠકમાં પશુપાલનપ્રધાને કહ્યું કે પશુઓને સાચવા માટે માલધારી સમાજના લોકોને જગ્યા ફાળવવામાં આવશે. જેથી શહેરી વિસ્તારોમાં પશુઓ જાહેર માર્ગ પર રખડતા દેખાશે નહીં. આ ઉપરાંત દૂધાળા પશુઓનો વ્યવસાય વધે અને દૂધ નું ઉત્પાદનમાં વધારો થાય તે માટે સરકાર પશુપાલકોને વધુ પ્રોત્સાહિત કરશે. અવારનવાર રાજ્યમાં પશુઓનું આકસ્મિક મોત નીપજે છે જેના કારણે પશુપાલકને આર્થિક ફટકો પડે છે અને સરકાર જે સહાય યોજના આપવા છે તે રકમમાં પણ આગામી દિવસોમાં વધારો કરવાની રાજ્યના પશુપાલનપ્રધાન રાઘવજી પટેલે ખાતરી આપી છે.
લંપી વાઇરસમાં સરકારે કર્યું કામ પશુઓને સમયસર તાત્કાલિક સારવાર મળી તે માટે અંદાજે 170 પશુ ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે સત્વરે પૂર્ણ કરાશે. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના 53.24 લાખથી વધુ નાના પશુઓ જેવા કે ઘેટાબકરાનું રસીકરણ કરવામાં આવશે. રાજ્યમાં ગત વર્ષે જોવા મળેલા લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળા દરમિયાન નીરોગી પશુઓને આ રોગથી બચાવવા માટે રાજ્યમાં કુલ 63 લાખ પશુઓમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં ગુજરાતના 85 ટકા ગૌવંશને આવરી લેવાયો છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓમાં રાખવામાં આવતા રખડતા પશુઓના નિભાવવા માટે પ્રતિ દિન પશુદીઠ રૂ. 30 લેખે નિભાવ સહાય આપવામાં આવે છે. શહેરો અને ગ્રામ્ય પ્રદેશોમાં છોડી મુકવામાં આવતા રખડતા ઢોરથી સર્જાતા અકસ્માત દ્વારા થતી માનવ જાનહાનિ અટકાવવાનો ઉલ્લેખ કરીને તેની યોગ્ય વ્યવસ્થા કરવા પણ આ સંવાદમાં પશુપાલકોને અનુરોધ કરાયો હતો.
કેવી રીતે થશે વધુ દૂધ ઉત્પાદન રાઘવજી પટેલે દૂધમાં ઉત્પાદનમાં વધારા બાબતે જણાવ્યું હતું કે કૃત્રિમ બીજદાન દ્વારા ઉત્તમ પ્રકારની પશુ ઔલાદ પેદા થાય છે જેના થકી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય. આ ઉપરાંત સેક્સડ સિમેન દ્વારા 80 થી 90 ટકા કિસ્સામાં પાડીઓ વાછરડીઓને જન્મ આપી શકાય છે. વધુમાં વધુ વિનામૂલ્યે પશુ સારવારનો લાભ-વીમો મળે, દૂધ ઉત્પાદન અને આવકમાં વધારો થાય, ઘેટા દ્વારા આપવામાં આવતા ઉનની ખરીદીની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી, પશુ ખરીદી માટે ઓછા વ્યાજે લોન, પશુ-માલની હેરફેર માટે યોગ્ય માળખું તૈયાર થાય, માલધારીઓને વીજળી પાણીની વ્યવસ્થા મળે, વધુને વધુ ગૌપાલક મંડળીઓ બનાવવામાં આવે તેમજ સ્થળાંતરિત કરતા માલધારીઓના બાળકો માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય તે દિશામાં રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી છે.