રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તબીબી શિક્ષણના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાના પરિણામે આજે રાજ્યમાં તબીબી, ડેન્ટલ અને ફીજીયોથેરાપીની 117 કોલેજોમાં 11,465 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં MBBSની 5,500, ડેન્ટલની 1,340 અને ફિઝિયોથેરાપીની 462નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સ્નાતક કક્ષાએ નર્સિંગની 16,240, હોમીયોપેથીની 3,650 અને આયુર્વેદની 1,962 મળી 33,317 બેઠકોનો સમાવેશ થાય છે. એ જ રીતે મેડીકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી કોલેજો ખાતે અનુસ્નાતક ડિગ્રી, ડિપ્લોમા અને સુપર સ્પેશિયાલિટીની 3,471 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં અનુસ્નાતક ડિગ્રી, ડિપ્લોમામાં પણ અનુસ્નાતક સુપર સ્પેશ્યાલીટી મેડિકલ બેઠકો 1,944, ડેન્ટલ અનુસ્નાતકની 253 અને ફિઝિયો અનુસ્નાતકમાં 225 બેઠકો, નર્સિંગમાં 793, હોમીયોપેથીમાં 187 બેઠકોમાં અનુસ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.
રાજ્યના નાગરિકોને આરોગ્ય સારવાર સત્વરે મળી રહે તે માટે તબીબી સેવાઓ માટે રુપિયા 937.65 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં ભાભર, જંબુસર, કેશોદ, રાધનપુર, ડાકોર અંજાર, જસદણ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલ બનાવાશે. અકસ્માત સમયે ત્વરીત સારવાર આપતી પ્રચલિત 108ની સેવાઓ પણ વધુ સુદ્રઢ કરાશે.
જેમાં 100 નવી એમ્બ્યુલન્સ રીપ્લેસમેન્ટ કરાશે. સિવિલ હોસ્પિટલોમાં નવી 15 એમ્બ્યુલન્સ વાન ખરીદાશે. સરકારી હોસ્પિટલોમાં અદ્યતન ટેકનોલોજીવાળા ઉપકરણો વસાવવા રુપિયા 99 કરોડની જોગવાઇ કરાઇ છે. ઔદ્યોગિક કામદારો અને તેમના કુટુંબીજનોને તબીબી સારવાર આપવા કામદાર રાજ્ય વીમા યોજના માટે રુપિયા 180 કરોડની જોગવાઇ કરાઇ છે.
આ યોજના હેઠળ 15,78,670 કામદારો તથા તેમના પરિવારોને તબીબી સવલતો પુરી પાડવામાં આવે છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે વધુમાં જાહેરાત કરી હતી કે, રાજ્યના અનાથાશ્રમમાં રહેતા બાળકો, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો ,સાધુ-સંતો તથા જે લોકોને આવક પ્રમાણપત્ર ના હોય તેવા તમામ લોકોને સરકારી હોસ્પિટલમાં મા વાત્સલ્ય કાર્ડ નો લાભ મળશે.