- રૂપાલના પલ્લીની પરંપરા અતૂટ રહી
- રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી સાદાઇથી યોજવામાં આવી હતી
- રાજ્ય સરકારે આ વર્ષે પલ્લી યોજવા પર મનાઇ ફરમાવી હતી
ગાંધીનગરઃ તાલુકાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લીની યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પલ્લી નહી નીકળે તેમ જણાવ્યું હતુ. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યા સરકાર પણ કઇ કરી શકતી નથી. તેવા સમયે વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે પણ અતુલ રહી હતી.
માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. જ્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા.
ગત વર્ષે પલ્લી 3 વાગ્યે નીકળી હતી, આ વર્ષે 12 વાગ્યે મંદિરે પહોંચી ગઈ
સામાન્ય રીતે પલ્લી બનાવવાની કામગીરી માતાજીની રજા મળ્યા બાદ શરૂ કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના અને સરકારની મંજૂરી ન હોવાના કારણે પલ્લીને સાંકડી જગ્યામાં મંદિર આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે પલ્લી બનાવવાની કામગીરી વહેલી શરૂ થઈ હતી અને 12 વાગ્યા પહેલા જ વરદાયિની માતાના મંદિર પરિસરમાં પહોંચી ગઈ હતી.
ચાલુ વર્ષે રૂપાલ ગામના રસ્તા કોરા રહ્યા
સામાન્ય રીતે ગામમાં આવેલા 27 ચકલા ઉપર માતાજીની પલ્લી થોડા સમય માટે રોકવામાં આવે છે. જ્યા લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે પલ્લીને સીધી જ મંદિર પરિસરમાં લઈ જવામાં આવી હતી, પરિણામે રૂપાલ ગામના રસ્તા ઉપર ઘીની નદીઓ જોવા મળી ન હતી અને રસ્તાઓ કોરા રહ્યા હતા.
ગામમાં પ્રવેશતા તમામ દ્વાર ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો
પલ્લીના દર્શનાર્થે લોકો આવે નહીં તેના માટે ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામા આવ્યો હતો. બેરીકેટ લગાવીને લોકોની પૂછપરછ કરવામાં આવતી હતી. પરિણામે બહારથી આવતા લોકો ઉપર પોલીસ કંટ્રોલ મેળવી શકી હતી.
વરદાયિની માતાજીની આસ્થા અકબંધ રહી
રૂપાલ ગામમાં પાંડવો દ્વારા પલ્લી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહી છે. ત્યારે પલ્લી કાઢવાનું ચૂકી જાય તો ગામના લોકો હેરાન પરેશાન થઈ જાય તેવી લોકવાયકા સાંભળવા મળી રહી છે. તેવા સમયે કોરોના મહામારી વચ્ચે પણ માતાજીની પલ્લીની પરંપરા જળવાઈ રહી હતી. ત્યારે ગ્રામજનો પણ માતાજીની આસ્થા અકબંધ રહી હોય તેમનો સત અકબંધ છે તેવું બોલતા સાંભળવા મળ્યા હતા.
પલ્લી રથ બનાવવામાં ગામના તમામ સમાજનો ફાળો
નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે. ત્યારે વણકર સમાજ પલ્લી માટે ખિજડો કાપી લાવે છે, સુથાર સમાજ પલ્લી બનાવે છે, પ્રજાપતિ સમાજ કુંડા છાંદે છે, વાણંદ સમાજ વરખડાના સોટા બાંધે છે, માળી સમાજ ફુલથી શણગાર કરે છે, મુસ્લિમ પીંજારા સમાજ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી સમાજ નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે, ચાવડા સમાજ ખુલ્લી તલવાર લઈને પલ્લીની સુરક્ષા કરે છે, શુક્લ સમાજ પલ્લીની પૂજા કરાવે છે અને પટેલ સમાજ પૂજા-અર્ચના કરાવી કુંડમાં અગ્નિ પ્રગટાવે છે. ત્યારબાદ વાળંદ સમાજના યુવકો પલ્લી આગળ મશાલ લઈને લઈને ચાલે છે. પલ્લી ગામમાં 27 જગ્યાએ ઉભી રહે છે. તેના ઉપર લાખો કિલો ઘીનો અભિષેક કરાય છે.
પલ્લીની લોકવાયકા
વનવાસ દરમિયાન 12મું વર્ષ પુરૂ થવામા થોડા દિવસો બાકી હતા. ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી 6 કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બીરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગર (ધોળકા) જવાનો આદેશ કર્યો હતો. ત્યા તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતા. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-9ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતા. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.