ગાંધીનગર: કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર. કે. સિંહે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આ સોલાર રૂફ ટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સિસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે, જેમાં 64 ટકા એટલે કે બે તૃતીયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે, ગુજરાતમાં 2 માર્ચ, 2020 સુધીમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.
દેશભરમાં સોલાર રૂફ ટોપ માટે 79,950 ગૃહ વપરાશકારોએ આ સમય ગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકીય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે. જ્યારે 5,531 સોલાર રૂફ ટોપ સિસ્ટમમાં મહારાષ્ટ્ર રાજ્યમાં બીજા ક્રમે છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે, રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય, તે માટે મુખ્ય પ્રધાને સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલીવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે. આ હેતુસર રાજ્યના 2020-2021ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. આવી સોલાર રૂફ ટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે સૂર્ય ગુજરાત યોજના હેઠળ સોલાર રૂફ ટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓનલાઈન પોર્ટલ પર નોંધાઈ છે.