રાજકોટઃ રાજકોટમાં આવતીકાલથી શહેરમાં ક્રિકેટ ફીવર છવાશે. જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ પર ઇન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટના ત્રણ વનડેની શ્રેણી રમાશે જે પૈકી આવતીકાલે પ્રથમ વનડે શરૂ થશે. આ મેચ નિહાળવા માટે કોઈ પ્રકારનો ચાર્જ નથી ચૂકવવાનો અને ફ્રી એન્ટ્રી રહેશે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને ઉભરતા ક્રિકેટર્સ પણ મેચ નિહાળવા આવશે. જેથી સતત ત્રીજા દિવસે બન્ને ટીમ દ્વારા ફાઇનલ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જેમાં બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા પ્રથમ વોર્મઅપ કરી બાદમાં ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બન્ને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે. ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી સામ સામે ટકરાશે.
ભારતીય ટીમના કપ્તાન સ્મૃતિ મંધાનાએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં T20 તેમજ વનડે શ્રેણીમાં ભારતે શાનદાર દેખાવ કરી અને જીત મેળવી છે. એટલે ટીમનો ટેમ્પો અને મોરલ બંને બહુ હાઈ છે. અમે આ શ્રેણીને જીતવા માટે પૂરા પ્રયત્નો કરીશું.
સ્મૃતિ મંધાનાને પૂછવામાં આવ્યું કે, ભારતીય ટીમમાં હરમન પ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંઘની ગેરહાજરી છે. તેનાથી શું અસર થશે? કપ્તાને જવાબ આપ્યો કે ટીમ અત્યારે એકદમ બેલેન્સ છે. આ બંને ખેલાડીઓ બહુ મહાન ખેલાડીઓ છે અને તેમની ગેરહાજરી હંમેશા નોંધનીય હોય છે, પરંતુ એક નવા ખેલાડીઓ માટે તક બનતી હોય છે. વેસ્ટ ઈન્ડિઝ સામે પણ શાનદાર દેખાવ કર્યા બાદ આ શ્રેણી માટે વ્યક્તિગત રીતે તમે કઈ રીતે લો છો? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, વિકેટ બહુ સરસ છે. અત્યારે તો બેટિંગ વિકેટ લાગે છે. અમે આવતીકાલે મેચના દિવસે વિકેટ જોઈ અને નિર્ણય કરીશું પરંતુ જ્યાં સુધી મારો વ્યક્તિગત સવાલ છે ત્યાં સુધી શ્રેણીમાં રન કરવાનો મોકો મળ્યો અને હું અત્યારે ફોર્મમાં છું અને મને આશા છે કે, આ ત્રણ મેચની શ્રેણીમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરીશ.
આયર્લેન્ડની કપ્તાન ગેબી લેવિસે જણાવ્યું હતું કે, અમે ભારતીય ટીમ સામે ત્રણ મેચની શ્રેણી રમવા ભારત આવ્યા છીએ અને અમારા માટે એક બહુ મોટી તક છે. કારણ કે ભારત અને આયર્લેન્ડ ટીમમાં આઈસીસીની ઇવેન્ટ કે ટ્રોફી માટે રમ્યા છે પરંતુ બંને દેશો વચ્ચે શ્રેણીમાં પહેલી વખત રમી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક રીતે અમારા માટે ટીમના તમામ ખેલાડીઓ માટે પણ એક બહુ મોટી તક છે. ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 12 જેટલી મેચ રમાઈ છે પરંતુ આર્યલેન્ડની ટીમ ભારત સામે એક પણ મેચ જીતી નથી. તો શું રાજકોટથી શરૂઆત કરશો? તેવા એક સવાલમાં જગ્યા વિશે જણાવ્યું હતું કે, અમે પણ આશા રાખીએ કે શ્રેણીમાં અમે જીત મેળવી અને શરૂઆત અહીં રાજકોટથી કરીએ.