ગાંધીનગર : આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરશોત્તમ રૂપાલા અને રાજ્યના પશુપાલન પ્રધાન રાઘવજી પટેલના હસ્તે પશુ મોબાઈલ હોસ્પિટલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 565 જેટલા શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરશોત્તમ રૂપાલા સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પશુધન માટે મોબાઈલ હોસ્પિટલ : આ તકે પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, ભૂતકાળમાં જે ગૌધન માટેનો સમય હતો તે સમય હવે ફરીથી નજીકના ભવિષ્યમાં જ આવશે અને ગૌધન જ મુખ્ય ધન ગણાશે. પશુધન માટે ચિંતા કરતા પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભૂતકાળમાં પશુઓના સારા આરોગ્ય માટે દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં કરવામાં આ સુવિધા આપવામાં આવે છે. ત્યારે ગુજરાતને તબક્કાવાર 460 જેટલી પશુના દવાખાનાની ફેસીલીટી સાથેની એમ્બ્યુલન્સ પ્રાપ્ત થશે. જે પૈકી આજે 25 એમ્બ્યુલન્સનું કરવામાં આવ્યું હતું.
પશુપાલકો માટે ઉજ્જવળ ભવિષ્ય : પશુધનના ભવિષ્ય અંગે કેન્દ્રીય પશુપાલન પ્રધાને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, હાલ દેશમાં શ્વેત ક્રાંતિ થઈ રહી છે અને ગાયનું દૂધ ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું છે. પરંતુ ગાયના દૂધ સાથે હવે ઊંટડીના દૂધ અને ગધેડીના દૂધની પણ મોટા પ્રમાણમાં માંગ વધી છે. તેના સાયન્ટિફિક કારણો છે તે મનુષ્ય માટે ખૂબ જ ઉપકારી નિવડશે. જેથી આવનાર ભવિષ્ય પશુપાલકો માટે ખૂબ જ ઉજ્જવળ છે. જ્યારે ગધેડીનું દૂધ હાલમાં 1350 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. બકરીના દૂધના વેચાણ સાથે સંકળાયેલા પશુપાલકો સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને બકરીના દૂધ બાબતે અમૂલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
પશુપાલકો જોગ અગત્યની જાહેરાત : પરશોત્તમ રૂપાલાએ અગત્યની જાહેરાત કરતા કહ્યું હતું કે, જેમ ખેડૂતોને સરકાર ઝીરો ટકા વ્યાજે લોન આપે છે તેવી જ રીતે આવનારા દિવસોમાં સરકાર પશુપાલકોને પણ 1 લાખ 60 હજાર રૂપિયાની લોન આપશે અને એ પણ ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે. આ ઉપરાંત જ્યારે આ લોનની જાહેરાત પડે ત્યારે તમામ પશુપાલકોએ આનો લાભ મળશે અને જો કોઈ બેંક લોન આપવાની ના પાડે તો પણ સરકારનું ધ્યાન દોરજો.
મુખ્યપ્રધાનની ખેડૂતોને અપીલ : હાલના સમયમાં જે રીતે ખેડૂતો વધુ વાવણી અને વધુ કમાણી માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી જમીન ખરાબ થઈ રહી છે. તે અંગેની ચિંતા વ્યક્ત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન ખરાબ થઈ રહી છે. ગાય આધારિત ખેતી જમીનનું સ્વાસ્થ્ય સુધારશે. આમ ગાય અને પશુધન જમીનની ગુણવત્તા માટે પણ ખૂબ જ મહત્વના પરિબળ છે.