અમદાવાદ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે બુધવારે પાર્ટી ઓફિસ કમલમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને નવેમ્બર માસના અંત સુધી વિનામૂલ્યે અનાજ આપવાની કરેલી જાહેરાતને વધાવી હતી. આ તકે જીતુ વાઘાણીએ કોંગ્રેસની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી.
વડાપ્રધાનના નિર્ણયનો પ્રદેશ અધ્યક્ષે કર્યો આવકાર :
- વડાપ્રધાને ગરીબોને નવેમ્બર સુધી વિનામુલ્યે અનાજ આપવાની જાહેરાતને વધાવી
- કોંગ્રેસની સરખામણી અંગ્રેજો સાથે કરી
- નવેમ્બર માસ સુધીમાં 1.5 લાખ કરોડથી વધુના મુલ્યનું અનાજ 80 કરોડ લોકોને વિનામુલ્યે પ્રાપ્ત થશે
- રથયાત્રાને લઇ કોંગી કાર્યકરોએ શહેરમાં મહંતના નામના ખોટા પોસ્ટરો લગાવતા કાર્યકરોની અટકાયત કરાઇ તે યોગ્ય
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સરકાર યોગ્ય સમય પર નિર્ણય લેશે
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના આ કપરા કાળમાં એપ્રિલથી લઈને નવેમ્બર માસના અંત સુધીમાં 1.5 લાખ કરોડથી વધુના મૂલ્યનું અનાજ દેશના 80 કરોડ નાગરિકોને વિનામૂલ્ય પ્રાપ્ત થશે. આમ 'ગરીબ કલ્યાણ અન્ન સહાય યોજના' વિશ્વની સૌથી મોટી અન્ન સુરક્ષા યોજના બની ચૂકી છે.
જનધન યોજના થકી 20 કરોડ ગરીબોના ખાતામાં કોરોનાના આ સંકટમાં સમયમાં 31 હજાર કરોડની રકમ જમા કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-DBTના મારફત સીધા જમા કરાવવામાં આવ્યા છે.