ગાંધીનગર: જીવન વીમો દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તમામ વ્યક્તિઓ જીવનનો વીમો લેતા જ હોય છે જ્યારે ગુજરાત સરકાર પણ હવે જુલાઈ મહિનાથી પીએમ કાર્ડમા પણ પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીની વિમાની રકમ વધારશે. ગુજરાતમાં પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ સરકાર દ્વારા સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં 6035 જેટલા વિદ્યાર્થીઓએ વિમાનો ક્લેમ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વ્યાપ વધે તે માટે યોજના: રાજયની શાળાઓમાં બાળકોનું 100 ટકા નામાંકન થાય અને પોતાના બાળકોને શાળામાં દાખલ કરવા લોકોને પ્રોત્સાહન મળે એ આશયથી રાજય સરકારે અનેકવિધ પહેલો હાથ ધરી છે. બાળકોને વીમા સુરક્ષા કવચ પૂરૂ પાડતી એવી જ એક પહેલ 'વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના' આજે આશીર્વાદરૂપ નીવડી રહી છે. છેલ્લા 12 વર્ષમાં આ યોજના હેઠળ 6035 કલેઈમ નોંધાયા છે અને તેના ભાગ રૂપે રાજયના ભૂલકાઓના પરિવારોને રૂપિયા 2591 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી છે.
યોજનાની શરૂઆત: પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણના ધ્યેયને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિદ્યાદીપ વીમારક્ષણ યોજના રાજયમાં વર્ષ 2002-03 થી અમલમાં છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાના મુખ્ય આશયથી શરૂ કરાયેલી આ યોજનામાં વિમા નિયામક કચેરી તરફથી નક્કી થતા વિમા પ્રિમિયમની રકમ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. દર વર્ષે આ યોજના અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો. 1 થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓને આવરી લેવા માટે વીમા નિયામકની કચેરીને પ્રિમિયમ ચૂકવામાં આવે છે.
રકમમાં વધારો: રાજયના ભૂલકાઓના પરિવારજનોને આ યોજના હેઠળ વર્ષ 2003-04 થી 2007-08 સુધી વીમા સહાય રૂપિયા 25,000 /- ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-09 થી રૂ.50,000 ચૂકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે.