ગાંધીનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સાથે ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો મળી અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 163 ઉપર પહોંચ્યો છે. અધધ કહી શકાય તેટલા પોઝિટિવ દર્દીઓ ઉપરાંત 6 દર્દીને કોરોના ભરખી જતા મોતને ભેટ્યા છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ આજે એક એનેસ્થેસીસ્ટ કોરોનાની ઝપટમાં આવ્યા છે. તેમની તબિયત બે દિવસથી નાદુરસ્ત હતી. જેથી તેમનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે.
છાલા ખાતેની યુવતી કોરોના સંક્રમિત થવા પાછળ પારિવારિક કારણ હોવાનું જણાઇ રહ્યું છે. કોરોનાગ્રસ્ત યુવતીનો ભાઇ અમદાવાદ ખાતે પોલીસમાં ફરજ બજાવે છે અને તે છાલાથી અમદાવાદ અપડાઉન કરતો હતો. તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તે પછી એક વ્યક્તિ પણ કોરોનાગ્રસ્ત થઇ હતી અને આજે 25 વર્ષની યુવતી કોરોનામાં સપડાઇ છે. આમ છાલાના કેસમાં પણ પારિવારિક સંક્રમણ જણાય છે.
ચ-7 ખાતે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના પતિ અને દીકરા સહિત સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરાયાં હતા. તેમાંથી 34 વર્ષીય પતિ અને ત્રણ વર્ષના દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સેકટર-27 ખાતે રહેતા અને એસઆરપી બટાલિયનાં કૂક તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી કોરોનમુક્ત રહેલા સેકટર-27માં શુક્રવારે પ્રથમ કેસ નોંધાયા બાદ શનિવારે બીજો કેસ નોંધાયો છે. પાટનગરના 30 પૈકી 15 સેક્ટરમાં કોરોના વાયરસે પગપેસારો કરી લીધો છે.
ગાંધીનગર તાલુકાના વલાદ ગામની એક યુવતીનું આજે સાંજે કોરોનાથી શંકાસ્પદ મોત થયુ હોવાનું જાણવા મળે છે. યુવતી છેલ્લા 10 દિવસથી નાદુરસ્ત હતી અને કોરોના જેવા લક્ષણો જણાયા હતાં. જેથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તેનું મોત સાંજે થયુ હતું. જો કે, તેનો કોરોનાનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. જો કે, હજુ સુધી યુવતીના મોત અંગે સત્તાવાર જાહેર કરાયું નથી.
ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા રિટેઈલર્સ વેપારી માટે ‘હેલ્થ કાર્ડ’ આપવામાં આવશે. દરેક વેપારીના આરોગ્યની ચકાસણી બાદ તેમને આ કાર્ડ અપાશે અને દર મહિને તેને રીન્યૂ કરાવવાનું રહેશે. રવિવારથી વોર્ડ કચેરીના સેનિટેશન ઈન્સ્પેક્ટર પાસે આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ લઈને વેપારીઓએ જવાનું રહેશે.