ગાંધીનગર: લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનોને ખોલવા પર પ્રતિબંધ છે, છતાં જો આવી દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં હાજર ગ્રાહકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે ખાસ તકેદારી રખાશે અને આવું ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને વાહનો પણ જપ્ત કરાશે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમુક વિસ્તારોમાં આવન-જાવન પર પ્રતિબંધ સહિત કેટલાક બ્રિજ પણ બંધ કરાયા છે. તેમાં નાગરિકો તંત્રને સહયોગ આપે અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવે તે જરૂરી છે. નાગરિકો જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ખરીદી માટે દરરોજ બહાર ન આવતા બે-ત્રણ દિવસે બહાર નીકળીને જરૂરી સામગ્રી ખરીદે તે જરૂરી છે. લોકડાઉનના ભંગ અંગે નાગરિકોને જાણ થાય તો તુરંત જ 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે.
અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં ગત 5 એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલા અંગેના નોંધાયેલા બે ગુનાઓમાં આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ગુનામાં નવસારી જિલ્લામાં ગત 9 એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલો કરનારા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 15 ગુનામાં કુલ 38 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ડ્રોનના સર્વેલન્સથી 283 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9193 ગુના દાખલ કરીને 18214 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 69 ગુના નોંધીને 75 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 1760 ગુના નોંધીને 2713 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે 20 ગુનામાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 311 ગુનામાં કુલ 537 લોકોની અટકાયત કરવામાં આવી છે.