રાજ્ય સરકારની કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યુ કે, વર્ષ 2018-19માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં SCA/LPA દાખલ કરી દાદ માંગવામાં આવેલી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ 2004ની કલમ નં. 4(4)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલી ન હતી. તો પણ ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોવાથી હાઇકોર્ટ દ્વારા 30 ઓક્ટોબર 2018ના ચૂકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવવામાં આવ્યા છે.
હાઇકોર્ટના 30 ઓક્ટોબર 2018ના ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, R.K. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશનો દાખલ કરવામાં આવી છે. જે પીટીશનોની સુપ્રિમ કોર્ટ 11 જાન્યુઆરી 2019ના રોજ સુનાવણી હાથ ધરીને નિકાલ કરાયો છે. આમ આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને રાજ્ય સરકાર દ્વારા માન્યતા મળી નથી. આ કોર્ષ ઉપરોક્ત યુનિવર્સિટીમાં ચાલશે તો ગેરલાયક ઠેરવવામાં આવશે તેવી પણ નાગરિકોને સૂચના આપી હતી. રાજ્ય સરકારે આ કોર્ષોને ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ 2004ની કલમ નં.4(4) ની વિરુદ્ધ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યુ હતું.