- ગુજરાતમાં જન્માષ્ટમી બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ
- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 16 ઇંચ વરસાદ ખાબક્યો
- કુલ 10 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ચોમાસાની સીઝનમાં વરસાદની ઘટ છે, ત્યારે ગુજરાતમાં જન્માષ્ટમી બાદ વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 399 મી.મી. એટલે કે 16 ઇંચ જેટલો, વાપીમાં 200 મી.મી. એટલે કે 8 ઈંચ, માંગરોળમાં 129 મી.મી. એટલે કે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
ક્યાં તાલુકામાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 સપ્ટેમ્બર 2021ને સવારે 6 કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં 96 મી.મી, વઘઈમાં 90 મી.મી, ડેડિયાપાડામાં 88 મી.મી, ધ્રોલમાં 86 મી.મી, કઠલાલમાં 83 મી.મી, મેંદરડામાં 81 મી.મી, કપરાડામાં 79 મી.મી, વડગામ, નડિયાદમાં 76 મી.મી, અને બગસરામાં 75 મી.મી. મળી કુલ 10 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નાંદોદ ચોર્યાસી, માણસા, માતર, પારડી, ઘોઘા, કેશોદ, ઉમરેઠ, વાંસદા, વંથલી, ગરુડેશ્વર, માંગરોળ, ખેરગામ, બોટાદ, જુનાગઢ શહેર, સાવરકુંડલા, ખેડા મળી કુલ 17 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ જ્યારે અન્ય 39 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો
1 સપ્ટેમ્બર 2021ને સવારે 6 થી 10 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં 145 મી.મી. એટલે કે 6 ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં 132 મી.મી. એટલે કે 5 ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં 100 મી.મી. એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ઝોન પ્રમાણે વરસાદની ગણતરી
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલું સીઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં 32.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
વધુ વાંચો: જૂનાગઢમાં મંગળવાર રાતથી વરસાદનું થયું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વધુ વાંચો: ચોમાસાની સિઝન બાદ દુષ્કાળની સ્થિતિ વિશે વિચારણા, હજુ એક મહિનો વરસાદ પડવાની આશા