ગાંધીનગરઃ કોરોનાએ વિશ્વભરમાં આતંક મચાવ્યો છે.ગુજરાતમાં સતત કોરોના કેસ સામે આવતા ભારત દેશમાં બીજા નંબરનું રાજ્ય બની ગયું છે. અમદાવાદ શહેર પણ દેશમાં બીજા નંબરનું શહેર બન્યું છે, જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીના કુલ કેસનો આંક 40 હજારને પાર થઇ ગયો છે. સમગ્ર દેશમાં ત્રીજુ લોકડાઉન ચાલી રહ્યું છે, છતાં પણ કેસમાં કંટ્રોલ આવી નથી રહ્યાં.

ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં વધુ નવા 374 કેસ નોંધાયા છે. જેમાંથી હંમેશાની જેમ સૌથી વધુ કેસ અમદાવાદમાં 274 નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમિયાન સુરતમાં 25, વડોદરામાં 25, ગાંધીનગરમાં 3, પાટણ 1, બનાસકાંઠા 7, મહેસાણામાં 21, મહીસાગર 10, બોટાદમાં 3 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે. 4065 લોકો હાલ સારવાર હેઠળ છે અને 31 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 146 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5428 થયો છે. જ્યારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3817 થયો છે. હજુ પણ આરોગ્ય વિભાગ તમામ લોકો સુધી પહોંચી શકી નથી, ત્યારે જેમ જેમ દેશની પ્રમાણ વધારવામાં આવશે. તેવી રીતે કેસની સંખ્યા પણ વધતી જોવા મળશે તેમાં બેમત નથી.