ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો હતો. ત્યારે પહેલા જ દિવસે સરકારે ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા અટકાવવા બાબતનું વિધેયક રજૂ કર્યું હતું. ગૃહમાં પેપર કાંડમાં અનેક મહત્વના ખૂલાસા રાજ્યકક્ષાના પ્રધાને કર્યા હતા. પરીક્ષા કેવા બાબતના લીધે એકના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકારને ત્રણ દિવસથી જાણ હતી, પરંતુ પેપર ક્યાં આવશે. તે બાબતે રાહ જોવામાં આવી રહી હતી. જ્યારે કોઈ આરોપી જલ્દી ન છૂટે તેવી જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. સાથે જ આ ગુનો બિનજામીનપત્ર ગણવામાં આવશે. જ્યારે આવા કેસીઝ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા સરકાર આયોજન કરી રહી હોવાની જાહેરાત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી.
આ પણ વાંચોઃ Budget Session 2023: વાહ નેતાજી! લોકોને જાગૃત કરવા ધારાસભ્ય ઈલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચ્યા વિધાનસભા
સર્વાનુમતે બિલ પસારઃ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બિલમાં થયેલી ચર્ચા અંગે જણાવ્યું હતું કે, અનેક સભ્યોએ કાયદો પાછળના દિવસથી લાગુ કરવાની વાત કરી છે, પરંતુ કાયદો કોઈ દિવસ પાછળથી લાગુ કરી શકાતો નથી. તેમ જ જો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થાય તો કાયદો અટકી શકે છે. રાજસ્થાન સરકારનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2018થી 2023 સુધીમાં કુલ 9 પેપર ફૂટ્યા છે. 54 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 9 લોકોની હજી પણ પકડ બાકી છે. તો તમામ લોકોને જામીન મળી ગયા છે. આમ, ગુજરાતમાં કોઈ પણ આરોપીઓને જામીન ન મળે તેને ધ્યાનમાં લઈને જ આ બિલ કડક જોગવાઈ સાથે પસાર કરવામાં આવ્યુ છે.
પેપર હરિયાણાનું ફોડવાનું હતું અને ફૂટી ગયું ગુજરાતનુંઃ ગૃહમાં ગુજરાત પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું બિલ લાવનારા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટ્યું છે એ હું માનું છું, પરંતુ કોઈ ઉમેદવારોએ આ બાબતની ફરિયાદ કરી નહતી. જ્યારે સરકારને ત્રણ દિવસ અગાઉ જ પેપર ફૂટ્યા હોવાની જાણકારી મળી હતી, પરંતુ ક્યાં આવવાનું છે તે ચોક્કસ બાતમી નહતી. જોકે, આ પેપર ફોડનાર વ્યક્તિઓ હરિયાણાનું પેપર ફોડવા ગયા હતા, પરંતુ તેમના હાથમાં આવી ગયું ગુજરાતની જાહેર પરીક્ષાનું પેપર. જ્યારે આરોપીઓએ પેપરને ગુગલ ટ્રાન્સલેટ કર્યું પછી ખબર પડી કે, આ તો ગુજરાતનું પેપર છે.
મોડી રાત્રે જ અધિકારીઓના ફોન આવવાના શરૂ થયાઃ વિધાનસભા ગૃહમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા સુધી પેપર આવ્યું નહતું. પછી મોડી રાત્રે મારા ઉપર ફોન આવવાના શરૂ થયા અને આરોપીઓ મોબાઈલમાં નહીં, પરંતુ પેન્ટમાં પટ્ટાની નીચે પેપર છુપાવીને આવ્યા હતા અને પેપર મેચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે, હવે ખરેખર ગુજરાતનું જ પેપર ફૂટ્યું છે. આ સમગ્ર ઘટના ધ્યાનમાં આવતા જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ મોડી રાત્રે ફોન કરીને જાણકારી આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓને બોલાવીને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાળકોનું ભવિષ્ય આ બિલ સાથે જોડાયેલુંઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમુક લેભાગુતત્વો અને અસામાજિક તત્વો પરીક્ષાને દૂષિત કરી રહ્યા છે. આવા લોકો જીવન ખરાબ કરી રહ્યા છે અને યુવાઓની સાથે તેમના પરિવારનું જીવન પણ ખરાબ થાય છે. આમ, પેપર નહીં પણ માણસ ખૂટે છે અને શોર્ટકટ અપનાવીને સરકારી નોકરી મેળવવાના પ્રયત્નો કરે છે. ત્યારે આવી ઘટનાઓથી લાખો યુવાનો નિરાશ થાય છે. ઉપરાંત રાજ્ય સરકાર જે બિલ લાવી છે. તેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન આ તમામ રાજ્યના બિલ બાબતનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ જ ગુજરાત સરકારે આ બિલ તૈયાર કર્યું છે. હાલમાં પણ ગુજરાતમાં પેપર બાબતનો કાયદો છે, પરંતુ ચોક્કસ પ્રકારની કોઈ જોગવાઈ ન હોવાના કારણે લોકો કોર્ટમાંથી છૂટી જાય છે, જેથી કાયદામાં કડક જોગવાઈ કરીને કોર્ટમાંથી છૂટી ન જાય અને કડકમાં કડક સજા થાય તે માટેનું આ બિલ ગૃહમાં લાવવામાં આવ્યું છે.
2014થી જેટલા પેપર ફૂટ્યા તે તમામ ઘટનાને બીલમાં આવરી લેવી જોઈએ: અમિત ચાવડાઃ કૉંગી નેતા અમિત ચાવડાએ બિલ બાબતે નિવેદન આપ્યું હતું કે, દેર આએ દુરસ્ત આયે અને સરકારને 27 વર્ષ પછી ખ્યાલ આવ્યો એટલે સરકારને અભિનંદન આપું છું. જ્યારે આ પેપર નથી ફૂટી, પરંતુ ગુજરાતના યુવાનોના સપના ફૂટી ગયા છે. જ્યારે રાજ્ય સરકારે દ્વારા બિલ લઈને આવવામાં આવ્યું છે. તે ફક્ત કાયદો બની ના રહે, પરંતુ કાયદાનો કડક અમલ જરૂરી થાય તેવી પણ ટકોર કરી હતી.
સરકાર પાસે પ્રેસની સુવિધા છતાં પેપર સેટિંગ માટે આઉટસોર્સિંગ કરે છેઃ ચાવડાઃ કૉંગી નેતાએ ઉંમેર્યું હતું કે, ભૂતકાળમાં વર્ષ 2014થી જેટલા પણ પેપર ફૂટ્યા છે. તે તમામ ઘટના આ બિલમાં આવરી લેવી જોઈએ. ઉપરાંત કૉંગી નેતા અમિત ચાવડાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતના પેપર ફૂટી રહ્યા છે. તો યુવાનો કોના ઉપર વિશ્વાસ કરશે. સરકાર પાસે સરકારી પ્રેસની સુવિધા છે. તેમ છતાં પણ પેપર સેટિંગ માટે આઉટસોર્સિંગ કરવું પડે છે અને મોટી માછલી છૂટી જાય છે, જેથી મજબૂત કાયદો બનાવવો જોઈએ. અત્યાર સુધીમાં જેટલા પણ પેપર ફૂટ્યા છે. તેમાં 50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી કરી હતી એ જ પેપર ફૂટ્યા છે. ત્યારે સરકારે પણ શ્વેત પેપર કરવું જોઈએ કે, પેપર ફૂટવાથી માનસ ઉપર કેટલી અસર થઈ છે.
વર્ષ 1971માં GPSCનું પેપર 200 રૂપિયામાં વેચાયું હતુંઃ બિલ અંગે ચર્ચા કરતા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કૉંગ્રેસની જૂની સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,વર્ષ 1970માં મેં SSC પરીક્ષા આપી હતી. ત્યારબાદ 1971માં GPSCનું પેપર ફૂટ્યું હતું, જે 200 રૂપિયામાં વેચાતું હતું. પરંતુ ત્યારે મોબાઈલ અને ઝેરોક્ષની સુવિધાઓ નહતી. આમ, રમણલાલ વોરાના આક્ષેપ પર કૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ જવાબ આપ્યો હતો કે, આવી કોઈ ઘટના ભૂતકાળમાં બની નથી અને એ સાંભળ્યું પણ નથી.
ભૂતકાળમાં બાહેંધરી આપી હતી, તેમ પણ પેપર ફૂટ્યુંઃ તો આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ બિલ અંગે ગૃહમાં ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, હાલમાં ફક્ત 2 જ આરોપી જેલમાં છે. જ્યારે બાકી તમામ આરોપીઓ કે, જે પેપર કાંડમાં હતા તે તમામ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ઉપરાંત જાહેર પરીક્ષા બાબતે તમામ ઉમેદવારો એક જ જેવી પરિસ્થિતિ હોતી નથી, પરંતુ અમુક ઉમેદવારો ખૂબ જ ગરીબ હોય છે. જ્યારે અમુક ઉમેદવારો દેવું કરીને પણ ક્લાસીસ કરતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં ટ્રાયબલ વિસ્તારમાં પણ ટ્રેનિંગ શરૂ કરવામાં આવે. હાલમાં ખાનગી ટ્યુશન 10,000થી લઈને એક લાખ સુધીની ફી વસૂલ કરતા હોય છે, જેથી વિસ્તારમાં પણ સરકારી ટ્રેનિંગ ક્લાસ શરૂ કરવામાં આવે.
આપના નેતાને સંઘવીએ આપ્યો જવાબઃ આપના નેતાએ ઉમેર્યું હતું કે, જ્યારે અનેક એવા યુવાનો છે, જેઓ સરકારી નોકરી મેળવવા માટે લગ્ન પણ કર્યા નથી. માનસિક રીતે અસ્વસ્થ બની ગયા છે અને અમુક યુવાનોએ તો આત્મહત્યા પણ કરી હોવાનું ભૂલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન્ય વસાવાએ નિવેદન આપ્યું હતું. જ્યારે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જો આવી ઘટના બને તો વીમા કવચ ઉમેદવારોને આપવાની માગ કરી છે. વસવાનો જવાબ આપતા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કુલ 11 પરીક્ષાના પેપર ફૂટ્યા છે, 11 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, 201 આરોપી છે. ફક્ત વડોદરાની ચાર્જશીટ નથી થઈ.
17નો આંકડો ડેન્જર : શૈલેષ પરમારઃ કૉંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે બિલ બાબતે ચર્ચમાં ભાગ લેતા નિવેદન આપ્યું હતું કે, સરકાર જ્યારે જનતા માટે ઉપયોગી બિલ લઈને આવે છે ત્યારે કૉંગ્રેસ પક્ષે ટેકો આપ્યો જ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 156 બેઠક, કૉંગ્રેસને 17 બેઠકો પ્રાપ્ત થઈ છે. ત્યારે સત્તાપક્ષ કહેશે એવું જ થશે એવું ન માની લેતાં, કેમ કે 17નો આંકડો ડેન્જર છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી જ કેમ પેપરો ફૂટ્યા છે? તેવા પ્રશ્નો શૈલેષ પરમારે કર્યા હતા. જ્યારે ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો 3 વર્ષની સજા યોગ્ય નથી. પરીક્ષાની કામગીરી આઉટસોર્સમાં આપી દેવામાં આવે છે. આ બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો કે, અન્ય રાજ્યના પ્રશ્નપત્રો ગુજરાતમાં આવે છે, જે પરીક્ષાનું સંચાલન કરતા હોય છે તે જ આયોજન કરતા હોય છે અને પેપર છપાતું હોય ત્યાં અધિકારીઓ હાજર રહે છે. કારણ કે, ત્યાંના પ્રેસના લોકો ગુજરાતી જાણતા નથી હોતા.
વિદ્યાર્થીઓ સજા આપવાની સત્તા શિક્ષકને પોલીસને નહીંઃ કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બિલ અંગે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરકાર દ્વારા બિલમાં વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ ધરપકડ કરવાની જોગવાઈ છે. ત્યારે વિદ્યાર્થીઓને સજા આપવાની સત્તા ફક્ત શિક્ષકને હોય છે પોલીસને નહીં. વિદ્યાર્થીઓ નાના હોય છે, આમ, બીલમાં ભૂલ હોવાનું નિવેદન અર્જુન મોઢવાડીયા કર્યું હતું.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બાકાત કરવામાં આવે: સી.જે.ચાવડાઃ કૉંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ બિલ અંગે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરકાર વારંવાર કહે છે. ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો પણ પેપર ફૂટે છે પરંતુ સરકાર ચમરબંધીની વ્યાખ્યા તો સપષ્ટ કરે કે ચમરબંધી છે કોણ. જ્યારે બિલ બાબતે અમારો જે વિરોધ હતો એ સરકારે સ્વીકાર્યો છે. તેમ જ તાત્કાલિક ધોરણે સરકારે સુધારા વિધેયેક લાવીને વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ બાકાત રાખ્યા છે. ખરેખર સરકાર હવે વાઈબ્રન્ટ બની ગઈ છે.