ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ખેતર ફરતે કાંટાળી વાડ યોજના શરુ કરી છે. આ યોજના પાછળ સરકારે 350 કરોડ ફાળવ્યા પણ છે. જો કે આ યોજનાનો લાભ લેવામાં ખેડૂતોને તકલીફ પડી રહી છે. રાજ્ય સરકારના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરતા ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવતી નથી. તેથી ખેડૂતોએ આ બાબતે વિરોધ કર્યો છે.
પદ્ધતિમાં ફેરફારઃ અગાઉ રાજ્ય સરકાર પોતાના પોર્ટલ પર જાહેરાત કર્યાના 30 દિવસ સુધી ખેડૂતોની ઓનલાઈન અરજી સ્વીકારતી હતી. કેટલાક દિવસની કાર્યવાહી બાદ ખેડૂતોને આ યોજનાનો લાભ ડ્રો સીસ્ટમ દ્વારા આપવામાં આવતો હતો. જેમાં ઉદાહરણ તરીકે 50,000 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હોય તો 30,000 ખેડૂતોનો ડ્રોમાં નંબર આવતો હતો. જ્યારે બાકીના 20,000 ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહેતા હતા. જે મુદ્દે ખેડૂતો, આગેવાનો, ધારાસભ્યો અને કિસાન સંઘ દ્વારા સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિઝ(વહેલા તે પહેલાના ધોરણે) યોજનાનો લાભ ખેડૂતોને આપવાનું શરુ કર્યુ હતું. જેનો પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોની ફરિયાદોઃ નવી યોજના અંતર્ગત સંયુક્ત ખેતી નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જે ખેડૂતોને કાંટાળી વાડ યોજનાનો લાભ મળ્યો નથી તેમણે સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50 ટકા અથવા 15,000 જે ઓછું હોય તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે. આ સહાય મેળવવા માટે મંજૂરી મળ્યાના 60 દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે ખરીદીના જરુરી પુરાવા ખેડૂતે જિલ્લા ખેડૂત અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે. જો કે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ વારંવાર બંધ મળી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. અરજીઓ ઓનલાઈન એકસેપ્ટ ન થતી હોવાની પણ ફરિયાદો કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારનો જવાબઃ 28 સપ્ટેમ્બર 2020 ના રોજ રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ જાહેરાત કરી હતી કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સોલાર પાવર કિટની ખરીદી માટે વર્ષે ૩૩ હજાર ખેડૂતોને લાભ આપવામાં આવશે. આમ જે ખેડૂતો વહેલી અરજી કરશે તેમણે પહેલા સહાય પૂરી પાડવામાં આવશે. તેથી વહેલા તે પહેલા ના ધોરણે ખેડૂતોને રજિસ્ટ્રેશન અને અરજી કરી રહ્યા છે. જેમાં પોર્ટલ પર તેમને તકલીફો પડી રહી છે. રાજ્ય કૃષિ વિભાગ અનુસાર આઈ ખેડૂત પોર્ટલ એ બંધ થયું નથી પરંતુ જે તે જિલ્લામાં મર્યાદિત પ્રમાણમાં અરજીઓ આવી ગઈ હોય તો તે જિલ્લામાં વધારાની અરજીઓ સ્વીકારવામાં આવતી નથી.
રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને કૃષિ સંગઠનો દ્વારા 'કાંટાળા તારની વાડ યોજના'ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે. ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે બજેટમાં રુ. 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનિંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે...રાઘવજી પટેલ(રાજ્ય કૃષિ પ્રધાન)
18 જાન્યુઆરી 2022નું નિવેદનઃ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારને 121 દિવસ પૂરા થતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે, સુશાસનના 121 દિવસ પૂરા થયા છે, ત્યારે ખેડૂતોના મહામૂલા પાકને બચાવવા માટે કાંટાળા તારની વાડની યોજનાનો લાભ કેટલાક ખેડૂતોએ લીધો છે જ્યારે 21,000થી વધુ અરજીઓ પેન્ડિંગ છે.