ગાંધીનગર : ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ દરમિયાન ફક્ત ગણતરી કરી શકાય તેવો વરસાદ નોંધાયો છે. જ્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ છે પણ નોંધાયો નથી. ત્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ પકવેલ પાકને નુકસાન થઈ રહ્યા હોવાની ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ હતી.જેમાં રાજ્ય સરકારે પહેલા ફક્ત 14 જિલ્લામાં જ ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે ભાજપના જ ધારાસભ્ય વિરોધ કર્યા બાદ હવે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના 50 લાખ ખેડૂતોના ઉભા પાકને સમયસર પાણી પીયત માટે વીજળી પ્રાપ્ત થશે.
ક્યારે અમલી થશે 10 કલાક વીજળી : રાજ્યના ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો.
ભાજપના હોદ્દેદારો અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ 02 સપ્ટેમ્બર 2023 કરાશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓમાં પણ 05 સપ્ટેમ્બર 2023 થી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે...કનુભાઈ દેસાઈ (ઊર્જાપ્રધાન)
ભાજપના ભગા બારડ અને આપ ધારાસભ્યોએ કરી હતી માંગ : ગુજરાત ભાજપના તાલાલાના ધારાસભ્ય ભગા ભારડે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની માંગ કરી હતી. જ્યારે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા પ્રધાનને બોટાદ જિલ્લાના ખેડૂતો માટે 10 કલાક વીજળી આપવાની માંગ કરી હતી. ત્યારે અનેક બાકી રહેલા જિલ્લાઓમાંથી ખેડૂતો અને ભાજપના જ પ્રતિનિધિઓની માંગ આવતા રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે.