ગાંધીનગરઃ આવતીકાલે ગાંધીનગર નવા સચિવાલય ખાતે કેબિનેટ બેઠક મળવાની છે. જેની અધ્યક્ષતા ગુજરાત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કરવાના છે. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો થઈ શકે છે.
મુખ્ય મુદ્દાઓઃ આ બેઠકમાં બીપીએલ કાર્ડ ધારકો માટે ફ્રીમાં રાશન વિતરણ, લોકસભાની ચૂંટણી અગાઉ મહત્વના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, વડા પ્રધાન મોદીના આગામી ગુજરાત પ્રવાસ, વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ વગેરે ચર્ચાના મુખ્ય મુદ્દાઓ રહેશે.
31મી ઓક્ટોબરે વડા પ્રધાન ગુજરાત પ્રવાસેઃ સરદાર જયંતિ નિમિત્તે વડા પ્રધાન મોદી ખાસ ગુજરાત પધારવાના છે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપે તેવી શક્યતાઓ છે.
બીપીએલ કાર્ડ ધારકો માટે નિર્ણયઃ તહેવારના દિવસોમાં બીપીએલ કાર્ડ ધારકો માટે પણ ખાસ નિર્ણય થઈ શકે છે. જેમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ તેમજ તેલનું ફ્રીમાં વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
વાયબ્રન્ટ સમિટની તૈયારીઓઃ ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઈન્વેસ્ટ સમિટ જાન્યુઆરી 2024માં યોજાવાની છે. તેની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. આ સમિટને સફળ બનાવવા રાજ્ય સરકારના વિવિધ વિભાગો જે તૈયારીઓ કરી રહ્યા છે તેની સમીક્ષા પણ હાથ ધરાશે. આવતા અઠવાડિયાથી ગુજરાત રાજ્યના સચિવ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તેમાં કયા સચિવને કયા દેશની જવાબદારી સોંપવી ઉપરાંત પાર્ટનર કન્ટ્રીમાંથી કેટલું અંદાજિત ઈન્વેસ્ટમેન્ટ આવી શકે છે તે બાબતની પણ પ્રાથમિક ચર્ચા થઈ શકે છે. ગુજરાત સરકારની વાયબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. તેથી આ વખતની સમિટમાં ગુજરાત સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી.