ગાંધીનગર : કોંગ્રેસ પક્ષે સીએમ રૂપાણી પાસે વિવિધ માંગણી કરી હતી, જેમાં રાજ્યમાં યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં ભરવા તથા નિમ્ન લેખિત વિગતે ત્વરિત ખાસ સહાય પેકેજ જાહેર કરવા આગ્રહભરી વિનંતી કરી હતી.
- કોરોનાની મહામારી દરમિયાન દેશના અન્ય રાજ્યોમાં પૂર્વ નિર્ધારિત વ્યાપારિક, સામાજિક કે ધાર્મિક પ્રવાસે ગયેલા ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા અથવા જે તે જગ્યાએ તેમની રહેવા, ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાના કારણે જનતા કર્ફ્યું દરમિયાન પાડોશી ધર્મ નિભાવી અને પડોશમાં કોઈને ભૂખ્યા ન સુવું પડે તેની સૌએ સ્વૈચ્છિક તકેદારી રાખવા તેમજ અન્નક્ષેત્ર મારફતે ગરીબ પરિવારોને રાહતદરે નિયમિત ભોજન ઉપલબ્ધ કરાવતી સામાજિક, ધાર્મિક અને સ્વેચ્છિક સંથાઓને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારી સામે જંગે ચડેલા સૌ ડોકટરો, આરોગ્ય કર્મીઓ, સુરક્ષા કર્મીઓ અને સ્વચ્છતાના સિપાહીઓ સહીત પત્રકારોના તંદુરસ્ત આરોગ્ય અંગે વિશેષ તકેદારીના પગલાં ભરવા તેમજ જનજીવનને બચાવવા સમગ્ર રાજ્યમાં વિના મુલ્યે માસ્ક અને સેનીટાઈઝર ઘરે-ઘરે ઉપલબ્ધ કરાવવા માટે સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી જનજીવનને બચાવવા સમગ્ર રાજ્યના દરેક તાલુકા મથકે વિના મુલ્યે આરોગ્યનું નિદાન, ચકાસણી અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવા તેમજ સરકારી સૂચનાઓનું સખ્તાઈ પૂર્વક પાલન કરાવવાના બદલે દર્દીઓ, ખેત મજદૂરો, પશુપાલકો સહીત અશુભ સામાજિક પ્રસંગે સહાનુભુતિ પૂર્વક સામાન્ય માણસ સાથે સમજુતી સાથે આગળ વધવા સરકારી તંત્રને વિનંતી કરીએ છીએ.
- કોરોનાના કારણે જનતા કર્ફ્યું દરમિયાન APL અને BPL સહીત ઓછી આવક વાળા દરેક ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટે વ્યક્તિ દીઠ કેશડોલ્સની ચુકવણી કરવા તેમજ વ્યાજબી ભાવની દુકાનેથી દરેક પરિવારોને ખાંડ, તેલ, ચોખા, કઠોળ તેમજ ધાન અને અનાજ સહીતની રાશન કીટ વિના મુલ્યે પૂરી પાડવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાના કારણે જનતા કર્ફ્યું દરમિયાન સમગ્ર રાજ્યમાં દૂધ અને શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી અને વ્યાજબીભાવે ઉપલબ્ધ કરાવવા તેમજ કાળાબજાર ઉપર કડક નિયંત્રણો લાદવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી દરેક પરિવારને ઘર વપરાશનું વીજળી બીલ, પાણી વેરો, અને અન્ય તમામ સ્થાનિક કરવેરાઓમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા તેમજ ગૃહલોનના હપ્તાની પરત ચુકવણી સ્થગિત કરવા તથા તેના વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા તેમજ બેરોજગાર યુવાનોને મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના અંતર્ગત વધારાના 100 દિવસ રોજગારની બાહેંધરી આપવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં હાલ બંધ થયેલા લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો સહીત અસંગઠિત ક્ષેત્રના કુશળ કારીગરો તેમજ શ્રમિક મજદૂરોને આગામી છ મહિના સુધી જીવન નિર્વાહ માટે મીનીમમ વેજીસ મુજબ બેરોજગારી ભથ્થું ચુકવવા સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં હાલ આર્થિક મંદીમાં સપડાયેલા વેપાર-ઉદ્યોગની આગામી છ મહિના સુધી લોનના હપ્તા તેમજ કરની વસુલાત સ્થગિત કરવા તથા વ્યાજમાફી સહીત કરવેરાના દરોમાં ખાસ રાહત આપવા માટે સરકારને વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં અત્યારે કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા ખેડૂતો દેવાના બોજ તળે ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમણે લીધેલું ખેત-ધિરાણ પાકતી મુદ્દતે પરત ચુકવવા સક્ષમ ન હોવાથી તેમના ઉપર દંડનીય વ્યાજનો બોજ પણ વધવાની શક્યતાઓ હોઈ ખેત-ધિરાણ પરત ચુકવવાની મુદ્દત તારીખ 31 માર્ચના બદલે આગામી 30 જુન સુધી લંબાવવા માટે તથા તેના ઉપરનું વ્યાજ માફ કરવા માટે વિનંતી કરીએ છીએ.
- કોરોનાની મહામારીથી બચવા અન્ય પાડોશી રાજ્યો સહીત ખાસ કરીને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાંથી રોજગાર માટે શહેરમાં વસેલા હજારો શ્રમિકો વાહનવ્યવહાર વ્યવસ્થાના અભાવે ભયભીત થઈને પગપાળા પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે, ત્યારે તેમને વતનમાં પહોચાડવાની યોગ્ય વ્યવસ્થા તેમજ રસ્તામાં રહેવા, જમવા અને જરૂર પડે દવાઓ સહીત તાત્કાલિક સારવારની તકેદારી લેવા વિનંતી કરીએ છીએ.
- ગુજરાત રાજ્યમાં ખાનગી વાહનવ્યવહાર સાથે સંકળાયેલા નાના મોટા છકડાથી લઈ રીક્ષાચાલકો સહીત અંદાજીત 10 લાખ કરતા વધુ પરિવારોનો રોજગાર ઠપ્પ થઇ ગયેલ છે, તેમજ લારી, ગલ્લા, પાથરણા સહીત નાના અને લઘુ ઉદ્યોગના 25 લાખ કરતા વધુ પરિવારો બેરોજગારીથી પ્રભાવિત થયેલ છે, ત્યારે તેમને મફત રાશન અને કેશડોલ્સ સહીત બેરોજગારી ભથ્થુ ચુકવવા વિનંતી કરીએ છીએ.
- ગુજરાત રાજ્યમાં તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા તાલુકા અને જિલ્લા મથકની સિવિલ હોસ્પિટલોમાં મળીને પુરતી માત્રામાં આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવા તેમજ ખાનગી ડોક્ટર્સ તથા તેમના હોસ્પિટલ્સને પણ આર્થિક સહાયની ચુકવણી સાથે આ સંકટની ઘડીમાં વિના મુલ્યે સારવાર આપે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
- ગુજરાત સરકારે આપાત્કાલીન સ્થિતિને પહોચી વળવા તાત્કાલિક અસરથી જરૂરી અઈસોલેષણ બેડ, કોરનટાઈન બેડ, ઓક્સીઝન માસ્ક, વેન્ટીલેટર્સ જરૂરી ઓક્સીજન પુરવઠો, ખાનગી દવાખાનામાં વ્યવસ્થા, ખાનગી ડોકટરોનો ઉપયોગ તથા કોરોના રોગના નિદાન માટે જરૂરી ટેસ્ટીંગ કીટ, સરકારી તથા ખાનગી લેબોરેટરીસ તથા ટેસ્ટીંગ કીટ્સ માટેના જરૂરી પ્રોબ્સ જેવા કેમિકલ્સ તથા બ્લડ અને બ્લડ અને વેબ્સ વગેરેની ચકાસણી માટેના જરૂરી સાધનોની વ્યવસ્થા કરવી જોઈએ.
આ બાબતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે હાલ આગામી 21 દિવસ સુધી જનતા કર્ફ્યુંની કરેલી જાહેરાતનું જવાબદાર રાજકીય વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી સમર્થન કરે છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી આપણે ડરવાની નહિ, પરંતુ સામુહિક રીતે લડવાની જરૂર છે ત્યારે, કોરોનાને હરાવવા માટે સૌએ સરકારી સૂચનાઓનું સ્વૈચ્છિક રીતે પાલન કરવા સરકારી તંત્રને સહયોગ આપવા, સંયમ રાખવા તેમજ શિસ્ત અને સ્વચ્છતા સાથે પોતાના ઘરમાં સલામત રહેવા અને કોરોના વાઇરસના વાહક નહિ બનવાનો સામુહિક સંકલ્પ કરવા સમગ્ર ગુજરાતને અપીલ કરીએ છીએ.