ગાંધીનગર: શહેરમાં કન્સ્ટ્રકશન સેક્ટરને લગતું એક્ઝિબિશન Gujarat Conex શરૂ થયું છે. આ એક્ઝિબિશન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન પોતે સિવિલ એન્જિનિયર હોવાને કારણે ઓપનીંગ સેરેમનીના સંબોધનમાં કોન્ટ્રાક્ટરોને શીખામણ આપી અને કેટલાક અનુરોધ પણ કરવાનું ચૂક્યા નહતા. આ પ્રસંગે નાણા પ્રધાન કનુ દેસાઈ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપરાંત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. આ સિવાય કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલ મોટા વેપારીઓ અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કન્સ્ટ્રકશન પ્રોજેક્ટમાં ક્વાલિટી ઈમ્પોર્ટન્ટઃ આજનો જમાનો એ હરિફાઈનો છે ત્યારે હરિફાઈના જમાનામાં કવોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ ન ચાલે તેવી ટકોર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી હતી. સરકારી કામકાજમાં એક બે ટકા ટેન્ડર વધારે ભરો પણ ક્વોલિટી ઉપર ભાર મૂકવો જ પડશે. આવનારા દિવસોમાં સરકાર માથા ઉપર ઊભા રહીને પ્રોજેક્ટ પાર પડાવશે તેમ કહીને કામની ક્વાલિટી સંદર્ભે તેમણે નિવેદન કર્યુ હતું. સરકારી પ્રોજેક્ટ્સ નાગરિકોને ઉપયોગી થઈ પડે તેમજ સમયસર પ્રોજેકટની પૂર્ણાહુતિથી નાગરિકોને પડતી હાલાકીમાં પણ ઘટાડો થશે.
ભુજના માર્ગો પર પાણી હોવા છતાં રોડ ઉપરથી એક કાકરી પણ ઉખડી નથી ત્યારે આવા ક્વોલિટી વાળા કામ થવા જોઈએ. એવું કામ કરો કે કોન્ટ્રાક્ટર અને સરકાર બંનેને નુકસાન ન થાય...ભુપેન્દ્ર પટેલ (મુખ્ય પ્રધાન, ગુજરાત)
પાંચ લાખ કરોડની ફાળવણીઃ રાજ્ય સરકાર યોગ્ય આંતર માળખાકીય સુવિધા જનતાને પૂરી પાડી શકે તે માટે કોન્ટ્રાકટરોની સાથે ઊભી હોવાનો દાવો મુખ્ય પ્રધાને કર્યો છે. આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયા આંતર માળખાકીય સુવિધામાં ફાળવીને નાગરિકોને પૂરતી સુવિધા પૂરી પાડવાનો રાજ્ય સરકારનો ઈરાદો હોવાનું ભુપેન્દ્રએ જણાવ્યું હતું.
એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને સલાહઃ આ એક્ઝિબિશનમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ભાગ લે અને નવી ટેકનોલોજીથી કન્સ્ટ્રકશન પ્રોજેક્ટને કઈ રીતે સરળ અને ઝડપી બનાવી શકાય તેની માહિતી મેળવે તેવી સલાહ મુખ્ય પ્રધાને આપી હતી.