ગાંધીનગર: પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ એ પહેલેથી જાણીતી અને દેશમાં સફળ સાબિત થયેલી પદ્ધતિ છે ત્યારે સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોન્ચિંગ કર્યું હતું. તેમજ પ્રજાને વધુમાં વધુ જળ સંચય કરવાની અપીલ કરી હતી.
આ બાબતે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પુરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂગર્ભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિને હવે નૂતન અભિગમ સાથે અપનાવી જળસુરક્ષા માટે સૌ એ સામુહિક પ્રયાસો કરવા જોઇએ.
આ સાથે જ સીએમ રૂપાણીએ રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જન સહયોગ દ્વારા જે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડયું છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી.
ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની દિશામાં જે આયોજનબદ્ધ પગલા લેેેેવાયા છે તે અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત રિયુઝ ઓફ વોટર, સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા 10 જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને શુદ્ધ કરી રિટ્રીટ કરીને તેનો ઉદ્યોગો, ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લા વહિવટીતંત્ર એ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1000 જેટલા ભવનોને તબક્કાવાર આવરી લઇને આ શાળા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેક્ટ માત્ર નવ માસના ટૂંકાગાળામાં પૂર્ણ કર્યો છે. રૂ. 6 કરોડના ખર્ચે સાકાર થયેલા આ પ્રોજેકટમાં CSR એકિટવિટી અન્વયે જાહેર સાહસો અને જિલ્લા પ્રશાસનના વિવિધ સરકારી અનુદાનો, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડ વગેરેનો ઉપયોગ થયો છે.
વડોદરા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં હાથ ધરાયેલા આ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટને પરિણામે વર્ષે અંદાજે 10 કરોડ લીટર વરસાદી પાણી વ્યર્થ વહી જતું અટકશે અને તેનો સંગ્રહ થતાં સમુચિત ઉપયોગ થશે.
આ સાથે જ સીએમ રૂપાણીએ ડભોઇ જૂથ પાણી પૂરવઠા યોજના ફેઇસ-1 અંતર્ગત રૂ. 124.51 કરોડ રૂપિયાની યોજનાથી 118 ગામો અને 30 નર્મદા વસાહતો માટે સરફેસ સોર્સ-નર્મદા કેનાલ આધારિત પાણી યોજનાનું લોકાર્પણ અને આ જ યોજનાના ફેઇસ-૩ ના રૂ. 43.94 કરોડના કામોના ખાતુમુહુર્ત પણ વીડિયો કોન્ફરન્સથી કર્યા હતા.