ગાંધીનગર : રાજ્ય સરકારના લોકહિતના નfયમો અને પોલિસી બાબતના નિર્ણયો કેબીનેટ બેઠકમાં કરવામાં આવે છે ત્યારે 17એ રોજ સવારે 9 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠક સમયમાં ફેરફારની માહિતી પણ સમળી છે. અમદાવાદમાં ભાજપ પ્રદેશ કારોબારી તેમજ વિશેષ મહાસંપર્ક અભિયાનનો કાર્યક્રમ હોવાથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ પ્રધાનો અમદાવાદમાં હાજર રહેવાને કારણે કેબીનેટ બેઠક એક કલાક વહેલા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ચિંતન શિબિરની સમીક્ષા : સચિવાલયના સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુજરાત સરકાર દ્વારા 18 19 અને 20 તારીખના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રધાનો એક બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. ત્યારે ગુજરાત સરકારના 155 દિવસના કામકાજ બાબતની સમીક્ષા અંતર્ગત કેબિનેટ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચિંતન શિબિરમાં શહેરી વિકાસ ગ્રામ્ય વિસ્તાર આરોગ્ય અને શિક્ષણ બાબતની ચર્ચા કરવામાં આવશે. તે પહેલાં કેબિનેટ બેઠકની અંદર આ તમામ વિભાગોની કામગીરી ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાશેે.
સુજલામ સુફલામની ચર્ચા : ગુજરાતમાં આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ફેબ્રુઆરી માસમાં જ સુજલામ સુફલામ અંતર્ગત નદીઓ તળાવ ચેકડેમની સાફસફાઈ અને તળ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ચોમાસાને ફક્ત ગણતરીના એક જ મહિનાની વાર છે. જૂન મહિનાની આસપાસ સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારેદ્વારા સુજલામ સુફલામની જિલ્લા પ્રમાણે થયેલી કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જે જિલ્લાઓમાં ઓછી કામગીરી થઈ છે ત્યાં તાત્કાલિક ધોરણે વધુમાં વધુ કામગીરી થાય તે બાબતની પણ સૂચના કેબિનેટ બેઠકમાં અપાઈ શકે છે.
નવા શૈક્ષણિક સત્રના બાબતે ચર્ચા : સચિવાલયના સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં 12 જૂનથી તમામ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સચિવ મુખ્યપ્રધાન સહિત પ્રધાનો અને તમામ પોલીસ અધિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાય છે. ત્યારે શાળા પ્રવેશોત્સવના પ્રારંભિક કાર્યક્રમનું પણ આયોજન કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવની તૈયારી બાબતની સમીક્ષા કરાશે.
રથયાત્રા બાબતે તૈયારીઓ : સચિવાલયના સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. ત્યારે 20 જૂનના રોજ અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેની તૈયારીઓ અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર સુરક્ષાના કારણોસર વિશેષ કાળજી રાખીને અન્ય જિલ્લાની પોલીસને પણ રથયાત્રા બંદોબસ્તમાં મૂકે છે. ત્યારે દર વર્ષે 25,000 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને ભૂતકાળમાં રામનવમીના દિવસે વડોદરામાં થયેલી ઘટનાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ આયોજનની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
ચોમાસા ભારે વરસાદની આગોતરી તૈયારીઓ : ગુજરાતમાં 12 જૂનની આસપાસથી ચોમાસાના સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કેબિનેટ બેઠકમાં ચોમાસાની તૈયારીઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનેક શહેરી વિસ્તારોમાં ચોમાસામાં ભારે પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે. જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બને છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતને પાણી ભરાવાની સમસ્યાનો હલ કાઢવાની તૈયારીઓની સૂચનાઓ પણ અધિકારી કક્ષાએથી આપવામાં આવશે.