ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા 9 થી 11 જાન્યુઆરી 2024 ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 15 દિવસ બાદ કેબીનેટ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના સિનિયર ઉચ્ચ અધિકારીઓ અને પ્રધાન વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ બાબતે સમીક્ષા કરવામાં આવશે.
પાર્ટનર કન્ટ્રીની સંખ્યામાં થશે વધારો : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાત દિવસ વિદેશ પ્રવાસ કરીને આવ્યા છે. ત્યારબાદની આ પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન બુધવારે સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં વિગતવાર મુદ્દાની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓ તમામ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે તે તમામ તૈયારીઓની સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અત્યાર સુધીમાં 10 જેટલા દેશો જ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. ત્યારે વધુમાં વધુ દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય તે રીતનું પણ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય બજેટ બાબતે ચર્ચા : રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત લોકસભાની ચૂંટણી પહેલા જ માર્ચ મહિનામાં નહીં પરંતુ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ નાણાકીય વર્ષ 2024 25નું બજેટ રજુ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરીથી જ બજેટ સત્રની શરૂઆત થશે ત્યારે હાલમાં તમામ વિભાગો દ્વારા નાણાં વિભાગ સાથે બેઠકનો દોર શરૂ થયો છે. જેને લઇને કેબિનેટ બેઠકમાં નવા બજેટમાં નવી જોગવાઈઓ યોજના આયોજન બાબતે પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ચાલુ વર્ષના બજેટમાં કેટલા નાણાં વપરાયેલા રહ્યાં છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
મહેસૂલ પડતર પ્રશ્ન બાબતે ચર્ચા : ગુજરાતમાં મહેસૂલના અનેક પડતર પ્રશ્નો સામે આવ્યા છે ત્યારે પડતર પ્રશ્નો બાબતે પણ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તે રીતનું આયોજન સામે આવી રહ્યું છે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં જો કંપની ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે તો કયા કયા શહેરોમાં અને કઈ ઇન્ડસ્ટ્રીઝને કયા ઝોનમાં મૂકવું અને તે બાબતની જમીનના કામકાજ બાબતે ચર્ચા કરવામાં આવશે.