ગાંધીનગર : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના 6 મહિના જ બાકી છે, ત્યારે રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વના પ્રોજેકટ કે જે દિવાળીની આસપાસ અથવા તો લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ કરે તે પહેલાં કેટલા અને ક્યાં પ્રોજેકટનું લોકાર્પણ અને ખાત મુહર્ત કરી શકાય તે માટે ખાસ સૂચનાઓ મુખ્ય સચિવ અથવા જે તે વિભાગના સચિવને કેબીનેટ બેઠકમાં કરવામાં આવશે.
સરકારી ભરતી માટે સરકારે તૈયારીઓ શરૂ કરી : વિજય રૂપાણીએ રાજીનામાં આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકાર 2021 ઓગસ્ટમાં રચાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સતત 12,000 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ખૂબ ઓછી સંખ્યામાં ભરતીની પ્રક્રીયા કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક સાથે બુસ્ટર ભરતીની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી સંપૂર્ણ શકયતાઓ છે. આ માટે વિશેષ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારને સૂચના આપવામાં આવી છે. ત્યારે કેબીનેટ બેઠકમાં વિભાગ પ્રમાણે ખાલી જગ્યાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. આમ હવે સરકાર ગૃહ વિભાગ સહિત 20,000થી વધુની ભરતી પ્રક્રિયા જાહેરાત કરે તેવી શકયતાઓ છે.
આવનારા તહેવારો બાબતે ચર્ચા : શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લોકમેળાનું ચલણ વધુ હોય છે. ત્યારે આ બાબતે પણ ખાસ તૈયારીઓની ચર્ચામાં થઈ શકે છે. ઉપરાંત ભૂતકાળમાં બરોડામાં રામનવમીમાં થયેલ ઘટના જેવી ઘટનાઓ અન્ય જિલ્લામાં ન થાય તે માટે ખાસ તૈયારીઓ અને સમીક્ષાઓ કરવામાં આવશે. જ્યારે રાજકોટ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીમાં લોક મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત બાબતે કેબીનેટ બેઠકમાં સમીક્ષા થઈ શકે છે.
વાઈબ્રન્ટ ગુજરાત મુદ્દે જવાબદારી સોપાશે : સરકાર દ્વારા દર બે વર્ષના સમયાંતરે ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2021 અને 22માં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે શરૂ થાય તેના ગણતરીના કલાકો પહેલા જ મોકુંફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વર્ષ 2023માં જાન્યુઆરીના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકોમાં આયોજન બાબતનું પ્રેઝન્ટેશન અને અધિકારીઓને જવાબદારી પણ સોંપાઈ શકે છે. ઉપરાંત પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટ અલગ અલગ ત્રણ ઝોનમાં થઈ રહ્યું છે, ત્યારે ખાસ તૈયારીઓ બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે. આમ આ વાઇબ્રન્ટ સમિટ ત્રણ અલગ અલગ જગ્યા ઉપર અને તે ત્રણેય જગ્યામાં અલગ અલગ મુદ્દે અને વિષય પ્રમાણે તે રીતનું આયોજન કરવામાં આવશે.