ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાત જૂન બુધવારના દિવસે સવારે 10:00 કલાકે કેબિનેટ બેઠક યોજાઈ રહી છે. કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો આગામી 10 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર આરંભ થશે ત્યારે ચોમાસાની તૈયારીઓ અને રથયાત્રા બાબતની સુરક્ષા બાબતે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
ચોમાસાની તૈયારીઓ : ગાંધીનગરના દર વર્ષે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે. જોકે આ વર્ષે ચોમાસુ પાંચથી દસ દિવસ મોડું છે. ત્યારે ગાંધીનગરના સૂત્રો અનુસાર જાણવા મળે છે કે સાત જૂનના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકા અને કોર્પોરેશન વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આપેલી સૂચના મુજબ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કેટલા ટકા પૂર્ણ કરવામાં આવી છે તે બાબતની સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ બાબતે ચર્ચા : ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 12,13 અને 14 જૂનના રોજ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં તમામ પ્રધાનો કલેકટર આઇપીએસ અધિકારી પોલીસ નિરીક્ષક અને રેન્જ આઈ.જી દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર શાળા પ્રવેશોત્સવમાં કયા પ્રધાનને કયા જિલ્લાની ફાળવણી કરવી તે બાબતનો આખરી નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ પણ શાળા પ્રવેશોત્સવ બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
રથયાત્રા 2023માં પોલીસ બંદોબસ્ત : ગુજરાતમાં દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અષાઢી બીજના દિવસે પણ 146મી રથયાત્રાને લઇને વિવિધ તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ત્યારે કેબિનેટ બેઠકમાં અમદાવાદ પોલીસ રથયાત્રામાં પોલીસ બંદોબસ્તના આયોજનનૂ બ્લુ પ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત અમદાવાદની રથયાત્રા પોલીસ કમિશનર નહીં પરંતુ ઇન્ચાર્જ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં યોજાશે.