ગાંધીનગરઃ દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે.આવતીકાલે 25 ઓક્ટોબર, બુધવારે સવારે 10.30 કલાકે ગુજરાત મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા, ઉકેલ તેમજ સમીક્ષાઓ થતી હોય છે. આવતીકાલની કેબિનેટ બેઠકમાં વાયબ્રન્ટ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા, પાલનપુર બ્રિજ દુર્ઘટના અને યુવકોમાં આવતા હાર્ટ એટેક જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
યુવાનોમાં હાર્ટ એટેક એક ગંભીર સમસ્યાઃ નવરાત્રિના નવ દિવસ દરમિયાન હાર્ટ એટેકને લઈને 108 ઈમરજન્સી સેવાને કુલ 650 કોલ મળ્યા હતા. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ યુવકોમાં હાર્ટ એટેકની સમસ્યાને લઈને એક બેઠક કરી હતી. આવતીકાલની કેબિનેટ બેઠકમાં આ રોગને નાથવા અગમચેતી સ્વરુપે કયા પગલા ભરી શકાય તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે. રાજ્ય સરકાર આ રોગના હુમલામાં દર્દીને બચાવી શકાય તે માટે સીપીઆર ટ્રેનિંગ પર પણ ભાર મુકી રહી છે.
વાયબ્રન્ટ ગુજરાતઃ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં તારીખ 10, 11 અને 12 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. આ સમિટનું ઉદ્દઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. તેથી આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા પણ આવતીકાલની કેબિનેટ મીટિંગનો મહત્વનો ભાગ બની રહેશે.
મહેસુલ વિભાગના પડતર કામોઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહેસુલ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી પડતર રહેલા કામોને તાત્કાલિક ધોરણે કઈ રીતે પૂરા કરવામાં આવે અને આ કામોમાં નડતરરુપ સમસ્યાઓનું સત્વરે નિવારણ લાવવા પર પણ ચર્ચા થઈ શકે છે.
પાલનપુર બ્રિજ દુર્ઘટનાઃ પાલનપુરના આરટીઓ ખાતે નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે. તે દુર્ઘટના પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાનો વિષય બનશે. આ દુર્ઘટનામાં બે નાગરિકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. રાજય સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે કમિટિની રચના પણ કરી છે. આ કમિટિના પ્રાથમિક રિપોર્ટ પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે.