ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 10:30 કલાક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2024 ની તૈયારીઓ આવનારા દિવસોમાં જાહેરાતો અને વિધાનસભા ચોમાસા સત્રમાં રાજ્ય સરકારની તૈયારીઓ બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવશે.
ચિંતન શિબિરની ભલામણોની અમલવારીની સમીક્ષા : ત્રણ દિવસ સુધી કેવડિયા કોલોની ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાઇ હતી .જેમાં શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા માટે અને ધોરણ 10 અને 12માં જે રીતનું પરિણામ આવ્યું છે તથા શાળા પ્રવેશોત્સવ દરમિયાન સનદી અધિકારીઓ દ્વારા જે અહેવાલ આપવામાં આવ્યા છે તે બાબતે અને ચિંતન શિબિરમાં શિક્ષણ બાબતે થયેલા ચર્ચાની અમલવારી બાબતની પણ સમીક્ષા આ બેઠકમાં થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેને ભરતી બાબતે પણ પ્રક્રિયાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવી શકે છે.
કિસાન સન્માન નિધિ સ્કીમનો રિવ્યુ થઇ શકે : કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં કિસાન સન્માન નિધિનો છઠ્ઠો હપ્તો ચૂકવવાની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોને કિસાન સન્માન નિધિ સ્કીમનો બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને પડતી તકલીફો ખરીફ પાકના ટેકાના ભાવ અને વાવાઝોડામાં કચ્છ તથા બનાસકાંઠાના જિલ્લાઓમાં ખેડૂતોને થયેલી નુકસાનીમાં કેટલી અરજીઓ આવી છે. સાથે જ અન્ય જિલ્લાઓમાં ખેડૂતોનો વિરોધ છે કે નહીં તે બાબતની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રોડ રસ્તાના રિવ્યૂ : ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક તાલુકાઓ અને જિલ્લાના રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ થઈ હતી જેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ માર્ગ મકાનમાં સચિવ સહિત અનેક લોકોની બદલી કરી દીધી છે ત્યારે ભારે વરસાદના કારણે કેટલા કિલોમીટરના રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને કેટલા સમયગાળા દરમિયાન આ રિપેર કરવામાં આવશે તેના પ્રોજેક્ટ ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે.