ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023 24ના બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત વિધાનસભા ગૃહમાં ગુજરાતી ભાષાનું બિલ પણ પસાર થયું છે. પરંતુ અમદાવાદ શહેર જિલ્લો અને ગાંધીનગર શહેર જિલ્લામાં જ ભાષાના કુલ 168 શિક્ષકો ઘટ સામે આવી છે. જ્યારે દ્વારકા અને જામનગરની જ 54 જેટલી સરકારી શાળાઓમાં એક જ શિક્ષકથી કાર્યરત છે.
આમ આદમી પાર્ટીના સભ્યએ કર્યો પ્રશ્ન : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક શાળાઓ એવી છે જેમાં ફક્ત એક જ શિક્ષકથી શાળા કાર્યરત છે. જામનગરના તાલુકાની વાત કરવામાં આવે તો જામનગરમાં બે ધ્રોલમાં એક જોડીયામાં બે લાલપુરમાં બે અને જામજોધપુરમાં એક શાળા એવી છે કે જેમાં ફક્ત એક જ શિક્ષક શાળાનું સંચાલન કરી રહ્યાં છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 12 શાળાઓ ભાણવડમાં 12 કલ્યાણપુરમાં 16 અને દ્વારકામાં કુલ છ સહિત 54 જેટલી શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક હોવાનું રાજ્ય સરકારે લેખિતમાં કબૂલ્યું છે.
અન્ય શાળાઓમાં શિક્ષકોની ઘટ : વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં શિક્ષકોની ખાલી જગ્યા બાબતનો પણ પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે જામનગરમાં 330 શિક્ષકો સરકારી શાળાઓમાં અને 33 શિક્ષકો અનુદાનિત શાળામાં ઘટ છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 575 જેટલા શિક્ષકો સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. જ્યારે દ્વારકાની 04 શાળાઓમાં આચાર્ય જ ન હોવાનું સામે આવ્યું છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જામનગર અને દ્વારકામાં કુલ 149 શિક્ષકોની જગ્યા ખાલી છે જ્યારે 13 જેટલા આચાર્યની પણ સરકારી જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લામા્ં શિક્ષકોની ઘટ : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશભાઈ મારે અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બાબતનો સવાલ કર્યો હતો. જેમાં ધોરણ એકથી પાંચમાં ગાંધીનગર અને અમદાવાદ શહેર જિલ્લામાં 1520 શિક્ષકોની ઘટ સામે આવી છે. જ્યારે ધોરણ 6 થી 8 માં ભાષાના 168 શિક્ષકો, ગણિત વિજ્ઞાન ના 222 શિક્ષકો અને સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ 172 શિક્ષકોની ઘટ સામે આવી છે. આમ અમદાવાદ અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ ધોરણ 1 થી 8 માં કુલ 2082 શિક્ષકોની ઘટ સામે આવી છે.
પોરબંદરમાં 7 શાળાઓ વીજળી વગરની : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો અર્જુન મોઢવાડિયાએ પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ અને અન્ય સુવિધાઓ બાબતનો પ્રશ્ન કર્યો હતો. ત્યારે પોરબંદર જિલ્લામાં સાત એવી શાળાઓ સામે આવી છે જેમાં વીજળીની કોઈ જ પ્રકારની સુવિધા નથી. જ્યારે જુનાગઢ અને પોરબંદરમાં કમ્પાઉન્ડ વોલ વિનાની અનુક્રમે સાત અને 54 શાળાઓ કાર્યરત છે. જ્યારે કમ્પાઉન્ડ અને ઓરડા આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી બનાવવાનું આયોજન પણ સરકારે કર્યું હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. જ્યારે પોરબંદર જિલ્લાની લાઈટની સુવિધા વગરની સાત શાળાઓમાં સોલાર પેનલ દ્વારા વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરી સરકારે હાથ ધરી હોવાનું પણ કારણ આપ્યું હતું.
શાળામાં વિદ્યાર્થી સંખ્યા ઓછી તેમ છતાં શિક્ષકો હાજર : રાજ્યના કેબિનેટ શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે ગૃહમાં જામનગર અને દ્વારકામાં એક જ શિક્ષકની શાળા સંદર્ભે જવાબ આપતા જણાવ્યું હતું કે જે જગ્યાએ એક જ શિક્ષક છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે. જ્યારે દ્વારકામાં ધોરણ 1 થી 5 માં ફક્ત 8 વિધાર્થીઓ હોવા છતાં સરકારે એક શિક્ષકથી શાળા કાર્યરત રાખી છે.