ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ પરની વિશેષ માગણી દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022)જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અત્યારે વર્તમાન સમયમાં જે આરોગ્યની પરિસ્થિતિ છે. તેમાં ખૂબ જ મોટો સુધારો કરાશે. રાજ્યમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં 10 વર્ષ સુધી ટેક્સ ફ્રી
અમદાવાદ મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલે ખાસ જણાવ્યું હતું કે ગાંધીનગર ગિફ્ટ સિટી અત્યારે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ મોખરે થયું છે. વર્ષ 2007માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi)ગિફ્ટ સિટી સ્થાપવાની નેમ લીધી હતી. તે સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોઈપણ પ્રકારની મદદ કરી ન હતી. ત્યારે હવે આજે ગિફ્ટ સિટી(Gandhinagar Gift City) તૈયાર છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ હબ બન્યું છે, અત્યારે 12,000 જેટલા કર્મચારીઓ ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યાં છે અને સાથે વિશ્વની સૌથી મોટી બેંક ગિફ્ટ સીટી સુધી આવી રહી છે. જ્યારે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ પણ શરૂ થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગિફ્ટ સિટીનો વિકાસ થાય તે માટે પણ મહત્વની જાહેરાત કરી છે કે જે સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં આવશે તેમના માટે દસ વર્ષ સુધી ટેક્સમાં રાહત આપવામાં આવશે.
આરોગ્ય અને શિક્ષણમાં સુધારો લાવીશું
રાજ્ય સરકારના બજેટ પર શહેરી વિકાસ શિક્ષણ અને આરોગ્ય ઉપર પૂરક માગણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું કે વર્ષ 2022માં જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આરોગ્ય વિભાગમાં ખાલી રહેલી તમામ વર્ગની ભરતી કરવામાં આવશે. જ્યારે બેડની સંખ્યામાં પણ વધારો કરીને હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં બમણી બેડની સંખ્યા કરવામાં આવશે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કોરોનામાં તકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણની પરિસ્થિતિ બાબતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે અત્યારે શિક્ષણમાં લૂંટ ચાલી રહી છે ત્યારે અમારી સરકારમાં વાલીઓનું શોષણ અટકાવવા માટે એક મોડેલ સ્કૂલ તમામ જિલ્લાઓમાં કાર્યરત કરવામાં આવશે અને સ્નાતક સુધીનું શિક્ષણ પણ ફ્રી કરવામાં આવશે.
ગુજરાતના બજેટ કરતા દેવું ત્રણ ગણું
વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર પર કટાક્ષ કરતા આક્ષેપ કર્યા હતાં કે બજેટમાં શાસક પક્ષના સભ્ય ખુબ જ વખાણ કરે છે. જ્યારે ગુજરાતનું દેવું બેફામ રીતે વધી રહ્યું છે અને કુલ બજેટ કરતાં ત્રણ ગણું ગુજરાતનું દેવું છે. જ્યારે ગત વર્ષે વિધાનસભાના બજેટમાં રાજ્યના પૂર્વ નાણાંપ્રધાન નીતિન પટેલ દ્વારા વર્ષ 2020-21માં સ્કૂલ ઓફ એક્સલન્સમાં 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી અને 500 શાળાઓને એક્સિડન્ટમાં સમાવી લેવાની જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત 12 કરોડના ખર્ચે ડિફેન્સ એકસીડન્ટની જોગવાઈ પણ હતી ત્યારે આ બજેટમાં આવું કંઈ પણ દેખાયું નથી. જો આ રકમ ફાળવાઇ છે તો ક્યાં તેનો ઉપયોગ થયો છે અને આ તમામ જોગવાઇઓનું શું થયું તે અંગેના પ્રશ્નો પણ વિધાનસભા ગૃહમાં નૌશાદ સોલંકીએ કર્યા હતાં.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રાજ્યમાં હજી પણ દરરોજ 5થી વધુ દુષ્કર્મ થાય છેઃ વિપક્ષ
મારા મતવિસ્તારમાં 2 વર્ષમાં એક પણ ઓરડાનું બાંધકામ નથી થયું
પૂરક માગણીઓ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો બનાવવાની કોશિશ થઈ રહી છે ગોડસેના નામે શાળાઓમાં નિબંધ સ્પર્ધા યોજાઈ રહી છે. પરંતુ મારા મત વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી એક પણ શાળાના ઓરડાનું બાંધકામ થયું નથી. વ્યાયામ શિક્ષણ સંગીત શિક્ષકની ભરતી પણ કરવામાં આવતી નથી. જ્યારે પ્રવાસી શિક્ષકોના નામે નવી પેઢીના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને કરાર આધારિત મોડેલ શરૂ થયું ત્યારથી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં ઋત્વિજ મકવાણાએ કર્યા હતાં.
રાજદીપ એન્ટરપ્રાઇઝ કર્મચારીઓનું શોષણ કરે છે : ગુલાબસિહ રાજપૂત
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સચિવાલય અને અન્ય જગ્યા ઉપર રાજદીપ એન્ટરપ્રાઇઝની એજન્સીના કર્મચારીઓ સરકારમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાજદીપ એન્ટરપ્રાઇઝ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ 19,000 ને બદલે કર્મચારીઓને માત્ર 10000 રૂપિયા જ પગાર ચૂકવવામાં આવે છે જ્યારે રાજદીપ એન્ટરપ્રાઇઝ પ્રતિ કર્મચારી નવ હજાર રૂપિયા ચાંઉ કરી જાય છે..
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ભ્રષ્ટાચારમાં કેટલાં અધિકારીઓ સામે થયાં કેસ અને કેટલાંની ધરપકડ બાકી? સરકારે વિધાનસભામાં જણાવ્યો આંકડો