ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગની કામગીરી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.
શિક્ષણ બોર્ડનો નિર્ણય : 31 તારીખ સુધી પેપર ચેકિંગ રદ કોરોના વાઈરસને કારણે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોના હિતમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા થોડા દિવસ પહેલાં જ પૂર્ણ થઈ છે ત્યારે પેપર ચેકિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 31 માર્ચ સુધી પેપર ચકાસણીની કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે. ઉપરાંત આગામી 31 માર્ચ સુધી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પણ રદ કરવામાં આવી છે.
જે રીતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ આરટીઓની કામગીરી બંધ કરવામાં આવી છે તેવી જ રીતે હવે શિક્ષણવિભાગ દ્વારા પણ ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષાની પેપર ચકાસણીની કામગીરી પણ કોરોના વાઈરસના કારણે સ્થગિત કરવામાં આવી છે.