- રાજ્યમાં બાયોડિઝલ (Biodiesel) બાબતે રાજ્ય સરકારે કર્યા કાયદા કડક
- અનઅધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરવાના આદેશ
- ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે થશે કડક કાર્યવાહી
ગાંધીનગર : રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી CM Vijay Rupani)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાના આદેશ આપવામાં આવ્યો છે.
ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલા
મુખ્ય વિજય રૂપાણીએ રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલા લેવાના આદેશો પણ આપ્યા છે. જ્યારે બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાવાની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પાસાંઓ સંદર્ભે ચર્ચા-વિચારણા કરીને આ બેઠકમાં કેટલાક વધુ નિર્ણયો પણ કર્યા હતા.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન NRI થાપણમાં રૂપિયા 3400 કરોડનો થયો વધારો
સ્ટેટ લેવલની કમિટી કરશે તપાસ
રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLCની રચના કરીને તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : CBSE: ધોરણ-12નું મૂલ્યાંકન શરૂ, વધુ બે ગાઈડલાઈન કરાઈ જાહેર
બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણે રાજ્ય સરકારની આવકને નુકસાન
બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકશાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી. આવા બાયોડિઝલના નામે ભળતા સોલવંટ, પેટ્રોલિયમ પદાર્થો વગેરેની થતી આયાતને પણ સદંતર અટકાવવાની સૂચનાઓ આપી હતી.
કેન્દ્ર સરકારની નીતિ બાબતે વિચારણા
આ બેઠકમાં ભારત સરકારની બાયોડિઝલ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું તે સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં, હાલ બાયોડિઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડિઝલના છૂટક વેચાણને કે રીટેઇલ આઉટલેટ મારફતે બાયોડિઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી. આ સંજોગોમાં બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટલેટ મારફતે કરી શકાશે નહિ, ફકત ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ઓઇલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે.
MSME ઉદ્યોગો માટે મહત્વ
શુદ્ધ બાયોડિઝલ બનાવતા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઉદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને હાઇસ્પીડ ડિઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે. તે સંદર્ભની સૂચનાઓ-માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવા અંગે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં પરામર્શ થયો હતો. આવા ઉત્પાદન અને વેચાણની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. એટલું જ નહિ, આ અંગે ઉત્પાદન અને વેચાણની વિગતોના યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવવાના રહેશે એ બાબતે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.