ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતલક્ષી મહત્વના નિર્ણયો અને ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને ડુંગળી બટાકાના ભાવ અંગે, એપ્રિલ મહિનામાં મિલિટની ટેકાના ભાવે ખરીદી અને તળપદાનું પાણી આપવા બાબતે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે.
ડુંગળી બટેકાના ભાવ ઘણા નીચાઃ ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની આંખમાં અત્યારે પાણી આવી રહ્યું છે. તેમ જ બટાકાની ખેતીમાં પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે બટાકા અને ડુંગળીના બજારભાવ ખૂબ જ નીચા છે. ત્યારે આજની બેઠકમાં ડુંગળી અને બટેકાની વર્તમાન પરિસ્થિતિ બાબતે સમીક્ષા કરવામાં આવ્યું હતું.
સરકાર કરશે સરવેઃ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે ગુજરાતમાં 5,000 હેક્ટરમાં ડુંગળી અને બટેકાનું વાવેતર થયું છે. આમ, કુલ 1,31,432 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે બટાકા અને ડુંગળીમાં ખેડૂત અને ભાવ મળે તે બાબતને વિચારણા કરવાની સરકારે ખાતરી આપી છે. તો હવે આગામી દિવસોમાં સરકાર સહાય બાબતનો નિર્ણય પણ લેશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં સરવે પણ કરવામાં આવશે.
મિલેટ પાકની ટેકાના ભાવે ખરીદી થશેઃ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ઘઉં, બાજરી, જુવાર (હાઇબ્રીડ), જુવાર (માલડડી), રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. મહત્વની વાત કરીએ તો, ખેડૂતોએ 1 માર્ચ 2023થી 31 માર્ચ 2023 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવની વાત કરીએ તો, ઘઉં રૂપિયા 2125, બાજરી 2350 રૂપિયા, જુવાર 2970 રૂપિયા, રાગી 3578 રૂપિયા અને મકાઈની 1962 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે સરકાર ટેકાની ખરીદી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Bogus PSI : બોગસ PSIની ટ્રેનિંગ મામલે ગૃહમાં હોબાળો, કોંગ્રેસ-'આપ'ના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
ઉનાળામાં મળશે ખેડૂતોને પાણીઃ પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે નર્મદાના પાણી બાબતે જાહેરાત કરી હતી કે, નર્મદા ટ્રિબ્યુનલ ઑથોરિટી દ્વારા ગુજરાતને વધારાનું પાણી ફાળવવાની નિર્ણય કરવામાં આવ્યો છે અગાઉ ગુજરાતને નવ મિલિયન એકર ફીટ પાણી પ્રાપ્ત થતું હતું ત્યારે આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા 2.87 મિલિયન એકર ફીટ પાણીનો વધારો કરવામાં આવ્યો છે જેથી હવે ગુજરાતને 11.87 મિલિયન એકર ફીટ પાણી મળશે જેથી આ વધારાનું પાણી મળવાથી ગુજરાતના ખેડૂતોને લાભ થશે જ્યારે આ પાણી આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ કરવામાં આવશે ઉપરાંત અન્ય ડેમ પણ ભરાશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.