ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ એનર્જી મુદ્દે જે ક્રાંતિ આવી છે તે કાબિલે દાદ છે. આ ક્રાંતિને વધુ આગળ ધપાવવા રાજ્ય ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પ્રયત્નશીલ છે. આજે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત 2024 સંદર્ભે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના વિકાસ માટે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના ઊર્જા પ્રધાન કનુ દેસાઈ ઉપરાંત કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર. કે. સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને સરકારી જમીન ભાડે મળી રહે તેવી નીતિ ઘડાશે. જેના પરિણામે જૂનાગઢ સહિત કુલ 3 જિલ્લાના ખેડૂતોને ખેતી માટે 24 કલાક વીજળી મળી રહેશે.
રિન્યુએબલ એનર્જી સંદર્ભે કોન્ફરન્સઃ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળી રહે અને રિન્યુએબલ એનર્જી ક્રાંતિને વેગ મળે તે માટે ગુજરાત રાજ્ય એક વિઝન સાથે આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર ગ્રીડ એકત્રીકરણ, ધીરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિક્સાવીને રિન્યુએબલ એનર્જીના વધુ ઉત્પાદન પર ભાર મુકી રહ્યું છે. ગુજરાતના આ પ્રયત્નોમાં કેન્દ્ર સરકાર પણ તેને સાથ આપી રહી છે. આગામી VGGIS 2024ની તૈયારીના ભાગ સ્વરુપે ગુજરાતે GUVNL, SECI, GEDA અને GETRIની આગેવાનીમાં કોન્ફરન્સ યોજશે.
250 ડેલિગેટ્સ ભાગ લેશેઃ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી માટે યોજાનાર આ કોન્ફરન્સમાં ભારત તેમજ વિદેશના 250 ડેલિગેટ્સ ભાગ લેશે. સમગ્ર ભારતમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા ક્ષેત્રે બીજા ક્રમે છે. ગુજરાત સમગ્ર દેશમાં વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં પ્રથમ છે. દેશની કુલ વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ગુજરાત 25 ટકાના હિસ્સા સાથે પ્રથમ છે. દેશમાં સૌથી વધુ સ્થાપિત રુફટોપ સોલર ક્ષમતામાં પણ ગુજરાત અગ્રેસર છે. જે ભારતની કુલ રુફટોપ સોલર ક્ષમતામાં 26 ટકા છે. ઘરવપરાશમાં સોલર રુફટોપ એનર્જી પ્રોડક્શનનો કુલ હિસ્સો 81 ટકા છે. ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને પણ સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે અને તેને લગતી નીતિઓ ઘડી રહી છે. રિન્યુએબલ એનર્જી માટે 2032 સુધીમાં GETCO પાસે ટ્રાન્સમિશન નેટવર્ક ક્ષમતા વધારવાની યોજના છે.
એનર્જી ટ્રાન્ઝેક્શનમાં ગુજરાત સમગ્ર દેશમાં લીડિંગ સ્ટેટ બનીને આગળ આવ્યું છે. ગુજરાતની રિન્યુએબલ એનર્જી પ્રોડક્શન ક્ષમતા 23000 મેગા વોટ છે. 2047 સુધી નેટઝીરો સ્ટેટ બનવાનો ગુજરાતે ટાર્ગેટ બનાવ્યો છે... આર.કે. સિંઘ (કેન્દ્રીય ઉર્જા પ્રધાન)
ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને લોકો રાત્રે જમવા માટે વીજળી મળી રહે તેવી વિનંતી કરતા હતા. ત્યારથી રાજ્યમાં જ્યોતિ ગ્રામ યોજનાની શરુઆત થઈ. સમગ્ર એશિયામાં પ્રથમ ક્લાયમેટ ચેન્જ વિભાગ બન્યો હતો. 2010માં સોલાર પોલિસી બનાવર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. ગુજરાતમાં માથા દીઠ ઊર્જા વપરાશ 2385 યુનિટ સાથે સૌથી અગ્રેસર છે. ગુજરાતમાં લાઈફ સ્ટાઈલ અને ખેતીને લઈને સૌથી વધુ વીજળી વપરાય છે...કનુ દેસાઈ(રાજ્ય ઊર્જા પ્રધાન)