ગાંધીનગરઃ મહાનગર પાલિકામાં શનિવારે યોજાનારી સામાન્ય સભામાં બજેટને રજૂ કરવાનું છે. બજેટ સંદર્ભે યોજાઈ રહેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અંકિત બારોટે રજૂ કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, રેવન્યુ ખર્ચ અંદાજપત્ર વર્ષ 2020-21ના બજેટ કોડ-601માં મેયર અને કમિશ્નરના બંગલાનો ભાડા ખર્ચ મહાનગરપાલિકા ભોગવે છે.
તેના માટે બજેટમાં રૂપિયા 1 લાખની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકો પાસેથી વસૂલ કરાયેલા ટેક્સમાંથી બંને બંગલાનું ભાડું ચૂકવવામાં આવે છે, પરંતુ મેયર અને કમિશ્નર પોતાને ફાળવવામાં આવેલા બંગલામાં રહેતા નથી. તેમના બંગલાનો દુરૂપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહાનગરપાલિકાની પ્રજાના ટેક્સના નાણાની બચત થાય તે હેતુથી આ બંગલા સરકારને પરત કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માટે અંકિતે રજૂ કરેલી દરખાસ્તને કાઉન્સિલર હસમુખકુમાર મકવાણાએ ટેકો આપ્યો હતો.
કોંગ્રેસનાં સભ્યોએ રજૂ કરેલી દરખાસ્તના પગલે સામાન્ય સભા તોફાની બનવાનું નિશ્ચિત છે. મેયર અને કમિશ્નરને ફાળવેલા બંગલામાં તેઓ રહેતા ન હોવાની બાબતે શાસક પક્ષના સભ્યોમાં ગણગણાટ ચાલી રહ્યો છે. જો કે, શિસ્તના નામે તેઓ જાહેરમાં બોલવા તૈયાર નથી. અગાઉ માનીતી એજન્સીઓને ટેન્ડર વગર કામગીરી ફાળવવાના મામલે વિવાદમાં આવેલું મ્યુનિસિપલ તંત્ર આ નવી દરખાસ્તથી ભીંસમાં મૂકાય તેવી શક્યતા છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક વોર્ડમાં વોર્ડ કચેરી બનાવવા માટે સરકારમાંથી મકાન મેળવ્યા છે. વોર્ડ કચેરીઓ બનાવવા માટે સરકારે લીધેલા મકાનોનો પણ દુરૂપયોગ થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માત્ર બે વોર્ડમાં જ સરકારી મકાનમાં કચેરીઓ ચાલે છે, જ્યારે અન્ય વોર્ડમાં માનીતા કર્મચારીઓને મકાન ફાળવી દેવાયા છે. કોંગ્રેસ દ્વારા સામાન્ય સભામાં આ મામલે પણ વિરોધ થાય તેવી શક્યતા છે.