સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 'સુજલામ સુફલામ યોજના' અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે 1 કરોડ 54 લાખ ફાળવવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. જેમાં સમઢીયાળા ચેકડેમ માટે 51.32 લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે 53.06 લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે 50.09 લાખ મરામત કામોના ફાળવ્યા છે. આ ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ 2005-06માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. 2017ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકસાન થતા રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને CM રૂપાણીએ મંજૂરી આપી છે.
સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે. જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપિંગ મરામતના કામો હાથ ધરાશે. નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નુકસાનની મરામતના કામો કરવામાં આવશે.