વિગતવાર મુજબ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, રાજ્યની 279 ઉચ્ચ ટેક્નિકલ અભ્યાસ કરાવતી સંસ્થાઓને રાજ્ય સરકારે વધારે ફી વસૂલવા લીલી ઝંડી આપી છે.
જેમાં વર્ષ 2017-18માં એફઆરસીએ 124 સંસ્થાને 500થી 39000 સુધીનો વધારો કરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે વર્ષ 2018-19માં 155 સંસ્થાઓને 1000થી 18000 સુધી વધારે ફી લેવા મંજૂરી અપી હતી.
જયારે સરકારે અથવા તો એફઆરસીએ શા માટે શેક્ષણિક સંસ્થાઓને ફી વધારવાની પરવાનગી આપવામાં આવી તેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, શૈક્ષણિક ગુણવત્તા, મરામત ખર્ચ, નવી ટેક્નોલોજી સહિતના કારણોસર વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી લેવા પરવાનગી આપવામાં આવી હતી.
આમ રાજ્ય સરકાર ખાનગી સંસ્થાઓને ફી વધારવાની પરવાનગી આપે છે. તેની સામે રાજ્યમાં વર્તમાન સમયમાં ફક્ત વિજ્ઞાન પ્રવાહની કોલેજો કુલ 283 હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં સરકારી 31 અને ગ્રાન્ટેડ 47 વિજ્ઞાન પ્રવાહની કોલેજો છે. જ્યારે સૌથી વધારે નોન ગ્રાન્ટેડ 205 વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આવી છે.