'ગુજરાતની રાજકીય ગાથા' પુસ્તકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પુસ્તકનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, આ પુસ્તકમાં 2002 ગોધરાકાંડનો ઉલ્લેખ કરાયો છે. આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પુસ્તકના લેખિકા ભાવનાબેન દવે પર ઇતિહાસ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ ઘટનાને તોડી મરોડીને રજૂ કરાઈ હોવાનું જણાવી રહ્યાં છે.
આ અંગે વાત કરતા પુસ્તકના લેખિકાએ જણાવ્યું હતું કે, "તેમને ગોધરાકાંડની જે હકીકત હતી તે જ લખી છે. ઘટનાનો અભ્યાસ કર્યા બાદ જ પુસ્તકમાં લખવામાં આવ્યું છે."
આ પુસ્તકમાં વર્ણવાયેલી ગોધરાકાંડની ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. આ સાથે કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડ ભાજપનું પ્રચારક ગણાવીને તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે.