ગાંધીનગર : ગુજરાતની વિવિધ મહાનગરપાલિકામાં રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ છે. ત્યારે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી અમલી કરવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જાહેરમાં ઘાસચારો નહીં આપવા તથા તમામ પાલતુ પશુઓ ઉપર ટેગ લગાવવા ફરજિયાત કરવાનો નિર્ણય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે.
14 વિકાસકાર્યોને મંજૂરી : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 14 જેટલા અલગ અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે. આમાં મહત્વના કામોની વાત કરવામાં આવે તો કોર્પોરેશનમાં સમાવેશ થયેલ નવા વિસ્તાર ભેગી ખાતે 15 ml ડી.એસ.ટી.પી. બનાવવાની કામગીરી તથા ગાંધીનગર શહેરની ફેરી ફેરી વિસ્તારના ગામોમાં પાયાની સુવિધાઓ વિકસાવવાના ખર્ચ કામો અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટમાં 15 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કોર્પોરેશનમાં સમાવિષ્ટ અવિચર પાર્ક એસોસિયેશન ઝુંડાલ ખાતે જન ભાગીદારીથી પેવર બ્લોક સહિત કુલ 14 જેટલી બાબતોને મંજૂરી આપવામાં આવી છે.
કોર્પોરેશન સાથે ઠગાઈ કરનાર એજન્સી : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બેસ્ટ કોમ્પ્યુટર એજન્સી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેલ્લા કેટલાક વર્ષોથી કામગીરી કરવામાં આવતી હતી. ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશન જોડે વધારે નાણાં પડાવવાની ઘટના બાબતે બેસ્ટ કોમ્પ્યુટર પાસેથી દસ લાખ રૂપિયાની રિકવરી વ્યાજ સાથે કરવામાં આવશે. ઉપરાંત આ બાબતે મ્યુનિસિપલ કમિશનર સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને કાયદાકીય રીતે કઈ રીતે કામગીરી કરી શકાય તે બાબતની પણ કામગીરી ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.
સોનોગ્રાફી મશીનની ખરીદી : ગાંધીનગરમાં આરોગ્ય બાબતે સારી સુવિધા મળી રહે તેને ધ્યાનમાં લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેયરની ગ્રાન્ટમાંથી 4 જેટલા સોનોગ્રાફી મશીન પણ ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશન હસ્તક સેક્ટર 30 ના સ્મશાન ખાતે મૃતદેહના અગ્નિસંસ્કારનના બળતણ માટે જલાવ લાકડા પૂરા પાડતી એજન્સીની સમય મર્યાદામાં પણ છ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.