ગાંધીનગર: શહેરમાં આવેલા સેકટર 26 કિશાનનગરમાં 10 દિવસ પહેલા પતિ પાસે રહેવા આવેલી પત્નીએ પતિને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ બનાવની જાણ સેક્ટર 21 પોલીસ સ્ટેશને થતા ઘટના સ્થળે પહોંચીને આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સેક્ટર 26 કિશાન નગરમાં 10 દિવસ પહેલા ભાડાના મકાનમાં વાકજીભાઈ નરપતભાઈ ચૌધરી (મૂળ રહે, ધેસડા, બનાસકાંઠા) પોતાની પત્ની સાથે રહેવા આવ્યો હતો. તે પહેલા વાકજી વાવોલમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે તેની પત્નીને લાવ્યા બાદ સેક્ટર 26 માં ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો. જ્યારે સેક્ટર 17/22 ખાતે આવેલા પ્રિન્ટીંગ પ્રેસ ઉપર ઓપરેટર તરીકે કામગીરી કરતો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત મોડીરાત્રે વાકજી અને તેની પત્ની ઉમિયા જે દસ દિવસ પહેલા જ પોતાના પતિ સાથે ગાંધીનગરમાં રહેવા આવી હતી. બંને વચ્ચે અગમ્ય કારણોસર સામાન્ય બબાલ થઈ હતી. ત્યારે વાકજીએ ઉંદર મારવાની દવા ખઇ લીધી હતી. જેને લઇને અર્ધ બેભાન જેવી હાલતમાં હતો. તે દરમિયાન તેની પત્ની ઉમિયાએ પોતાના પતિને આવેશમાં આવીને ચપ્પાના સાત જેટલા ઘા મારી દીધા હતા. જેનાથી વાકજીના શરીરના આંતરડા બહાર નીકળી આવી ગયા હતા.
મૃતક વાકજી છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગરમાં રહીને પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે જોડાયેલો હતો.જ્યારે અઢી વર્ષ પહેલા વાકજીના લગ્ન થયા જ્યારે તેની પત્ની વાર-તહેવારે સાસરીમાં આવતી હતી. ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસ પહેલા જ રહેવા આવી હતી અને 10 દિવસમાં જ તેના પતિનું મોત થતાં પોલીસે પ્રેમ પ્રકરણ તરફ પણ તપાસ હાથ ધરી હોવાની સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
મૃતક ઉંદર મારવાની દવા ખવડાવી કે જાતે ખાધી?
મૃતક વાકજી અને તેની પત્ની રાત્રે 10 વાગ્યાની આસપાસ ભોજન કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. પરંતુ જ્યારે ચપ્પાના ઘા મારવામાં આવ્યા ત્યારે વાઘજી મૂર્છિત અવસ્થામાં હતો માત્ર એક જ વ્યક્તિ આવી રીતે મર્ડર કરી શકે જે થિયરી પોલીસના મગજમાં બેસતી નથી. ત્યારે મૃતકને પહેલા કોઈએ દવા ખવડાવી છે કે અથવા તો તેણે જાતે ખાધી છે.તે બાબત ચિંતાનો વિષય બની છે.