ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ ચોમાસામાં અનેક રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, ત્યારે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતમાં વિકાસના કામનું કોઈપણ ટેન્ડર નક્કી કરતા પહેલા ખાસ કમિશન કમલમ ન પહોંચે ત્યાં સુધી ટેન્ડરને મંજૂરી મળતી નથી. તેના જવાબમાં રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે.
રાજ્યની પ્રજા માનસિક અને આર્થિક રીતે શોષણમાં જીવી રહી છે. પ્રજાના ટેક્સના નાણા કોન્ટ્રાક્ટર અને પ્રધાનોના ખિસ્સામાં જાય છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિત તમામ તાલુકા અને જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. ભાજપના ત્રણ દાયકાના શાસનમાં એક પણ રોડ સરખો થયો નથી. એક જ વરસાદમાં બ્રિજમાં પોપડા, રસ્તામાં ખાડા અને ભુવા પડી ગયા છે. તે સરકારનો ભ્રષ્ટાચાર બતાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. રસ્તામાં કેમ ખાડા અને ગાબડા પડે છે. આ બાબતે કમિશન વાળી સરકાર ફક્ત સમીક્ષા જ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર જે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરે છે. તેવી એજન્સીઓ નામ બદલીને ફરીથી સરકારમાં કોન્ટ્રાક્ટ લે છે. - અમિત ચાવડા ( વિપક્ષ નેતા, કોંગ્રેસ)
સરકારે ઓનલાઈન જાહેરાત કરવી જોઈએ : અમિત ચાવડા એ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ગત સરકારના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જ્યારે અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, સરકારે 35,000 જેટલા બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું છે, ત્યારે તે તમામ બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઈન પ્રજા સમક્ષ મૂકવું જોઈએ અને ગુજરાતમાં હાલમાં જે પણ કામો ચાલતા હોય તે તમામ વિગતો ટેન્ડરની વિગત કોન્ટ્રાક્ટરની વિગતો પણ સરકારે જાહેર કરવી જોઈએ તેવી માંગ કરી હતી.
અમિત ચાવડા પોતાનું ઘર સંભાળો : અમિત ચાવડા એ કરેલા આક્ષેપ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કાર્યક્રમમાં અમિત ચાવડાના જવાબમાં રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે ચાવડા જે બોલે તે બધું તેમના મતે સાચું, પરંતુ તેઓ પોતાનું ઘર સંભાળીને બેસે જ્યારે તેઓને ફક્ત મીડિયામાં આક્ષેપો કરતા જ આવડે છે. લોકો વચ્ચે જતા જોયા નથી, જ્યારે આ વાવાઝોડાની પરિસ્થિતિમાં તેઓ ફક્ત નામની જ હાજરી પુરાવી હતી. કોંગ્રેસને આક્ષેપ કરતા સિવાય કશું જ આવડતું ન હોવાનો જવાબ ઋષિકેશ પટેલે આપ્યો હતો.