ગાંધીનગર : રાજ્યમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતાં આવ્યા છે. ત્યારે 18 મે 2023ના રોજ ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરના કર્મચારીએ પૂર્વ કલેકટર એસ કે લાંગા વિરુદ્ધ સત્તાના દુરુપયોગ અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ત્યારે આજે ગાંધીનગર પોલીસ દ્વારા 2 મહિના બાદ પૂર્વ કલેકટર એસ.કે.લાંગાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે ગાંધીનગર પૂર્વ કલેકટરની ધરપકડ આબુથી કરી છે.
સેકટર 7 પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ મુજબ ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવી છે, આ બાબતે અત્યારે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને એસ.કે.લાગા માઉન્ટ આબુમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ગાંધીનગર જિલ્લાની જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારની ફરિયાદને ધ્યાનમાં લઈને જ તેમની ધરપકડ થઈ છે. આ ઉપરાંત હાલ ગાંધીનગર પોલીસ એસ.કે લાંગાને માઉન્ટ આબુથી ગાંધીનગર આવવા રવાના થઈ છે. જ્યારે પૂર્વ કલેકટરને હવે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ માંગવામાં આવશે... તરુણ દુગ્ગલ(ગાંધીનગર એસપી )
કલેકટર ઓફિસના ચિટનીશે કરી હતી ફરિયાદ : ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાએ કરેલા કૌભાંડો બાબતે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી છે. તે મુજબ રાજકોટના બાંદરા ગામના ધૈવત ધ્રુવ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંઘાએ પોતાની સત્તા દરમિયાન પદનો દુરુપયોગ કરીને પોતાના તથા જે તે વખતના તત્કાલીન ચિટનીશ તથા આર.એ.સી. અને તેમના મળતીયાઓને આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચીને જમીનના ખોટા હુકમો કર્યા અને સરકારમાં ભરવાનું થતું પ્રીમિયમ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કર્યું છે.
ખોટા ડોક્યુમેન્ટ ખરા કર્યાં : ઉપરાંત બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી શરતની જમીનને જૂની શરત તથા ખોટા પુરાવા ઉભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા ઉપયોગ કરી પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજ પર સહી કરી હોવાની ફરિયાદ લેખિતમાં નોંધાવી છે. આમ નિવૃત આઈએસ અધિકારી એએસ કે લાંગા તથા તેમના પરિવારજનોના નામે અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. હાલ ધૈવત ધ્રુવ પોતે ગાંધીનગર કલેકટર કચેરીમાં ચિટનીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ખાતાકીય રાહે તપાસ થઇ : ગાંધીનગર કલેકટર તરીકે એસ કે લાંગા ગાંધીનગરમાં 06 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 સુધી 17 મહિના કાર્યરત રહ્યા હતાં. જેમાં ફરિયાદ મુજબ એસ કે લાંગા દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહેસૂલને લગતા નિર્ણય કરવામાં આવ્યા હતાં. જે બાબતે ખાતાકીય રાહે તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાતાકીય તપાસ પૂર્ણ કર્યા બાદ તપાસ અધિકારી વિનય વ્યાસાએ લેખિતમાં પૂર્વ કલેકટર, ચિટનીશ અને RAC વિરુદ્ધ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.
નિયમોને નેવે મૂકી જમીનમાં ભ્રષ્ટાચાર : સેકટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પૂર્વ આઈએએસ અધિકારી એસ કે લાંગાએ નિયમોને નેવે મૂકીને અનેક જમીનોમાં કૌભાંડ આચારીને ગેરરીતિ કરી હોવાનો ઉલ્લેખ પણ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. બિનખેતી ફાઈલ પીએ દ્વારા નોંધ કર્યા વગર બદઇરાદાપૂર્વક પૂર્વ કલેક્ટરે પોતાના પાસે લાંબા સમય સુધી રાખી મુકી હતી. કેટલાક કિસ્સાઓમાં ફાઈલમાં ઇન્વર્ડ પણ કરવામાં આવ્યું નથી. નિવૃત્તિ સમયે તેઓએ સંખ્યાબંધ ફાઈલો છેલ્લા દિવસોમાં મંગાવીને બિનખેતી કરેલાનો પણ ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જ્યારે નિવૃત્ત થયા બાદ પણ જૂની તારીખોમાં નિર્ણય કરેલા કિસ્સા પણ ગાંધીનગર કલેકટર ઓફિસમાં સામે આવ્યા છે આમ મોટાભાગના કેસોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ હાલના ચિટનીસ દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
- Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
- Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા
- Bhavnagar News: રાશનકાર્ડ કૌભાંડ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિત ભાવનગર કલેકટર તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી